Site icon Revoi.in

ઉત્તરપ્રદેશઃ દેવબંધમાં 1993માં થયેલા બોમ્બ બ્સાસ્ટનો આરોપી 31 વર્ષ બાદ શ્રીનગરથી ઝડપાયો

Social Share

સહારનપુરઃ સહારનપુર જિલ્લાના દેવબંદમાં ઓગસ્ટ 1993માં થયેલા બોમ્બ વિસ્ફોટોના મુખ્ય આરોપી નઝીર અહેમદ વાનીને ATS અને પોલીસની ટીમે 31 વર્ષ બાદ શ્રીનગરથી ધરપકડ કરી છે. ઉચ્ચ અધિકારી સાગર જૈને જણાવ્યું હતું કે, એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) અને દેવબંદ પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં દેવબંદમાં થયેલા બોમ્બ વિસ્ફોટોના આરોપીની જમ્મુ-કાશ્મીરમાંથી ધરપકડ કરવામાં આવી છે.

તેમણે જણાવ્યું હતું કે, તે છેલ્લા 31 વર્ષથી ખોટી ઓળખ ધારણ કરીને રહેતો હતો. વર્ષ 1992માં અયોધ્યામાં વિવાદિત ઢાંચાને ધ્વસ્ત કર્યા બાદ સમગ્ર દેશમાં સાંપ્રદાયિક રમખાણો થયા હતા અને તે દરમિયાન દેવબંદમાં પણ ઘણી જગ્યાએ સાંપ્રદાયિક હિંસા થઈ હતી. ઓગસ્ટ 1993માં આ હિંસા દરમિયાન શહેરમાં પોલીસકર્મીઓ પર બોમ્બથી હુમલો કરવામાં આવ્યો હતો. તે સમયે પોલીસે કેસ નોંધીને નઝીર અહેમદની ધરપકડ કરી હતી, પરંતુ 1994માં તેને કોર્ટે જામીન આપી દીધા હતા. જામીન પર બહાર આવ્યા બાદ તે ફરાર હતો અને આ કેસમાં પોલીસ તેને શોધી રહી હતી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આરોપી નઝીર બોમ્બ વિસ્ફોટો બાદ શ્રીનગરમાં રહેતો હતો અને શ્રીનગરમાં તેની ગતિવિધિઓની તપાસ કરવામાં આવી રહી છે. હિઝબુલ મુજાહિદ્દીનનો આ કથિત આતંકવાદી બોમ્બ બ્લાસ્ટ પહેલા દેવબંદમાં રહેતો હતો, પરંતુ જેલમાંથી જામીન મળ્યા બાદ તે અહીંથી ફરાર થઈ ગયો હતો. આ બોમ્બ વિસ્ફોટમાં બે પોલીસકર્મીઓ સહિત ચાર લોકો ઘાયલ થયા હતા.

ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, આરોપી છેલ્લા 31 વર્ષથી કોર્ટમાં આવી રહ્યો ન હતો, ત્યારબાદ 20 મે, 2024ના રોજ કોર્ટ દ્વારા તેમની વિરુદ્ધ કાયમી વોરંટ જારી કરવામાં આવ્યું હતું. એટીએસ દેવબંદ અને દેવબંદ પોલીસ સ્ટેશને કાશ્મીરના આરોપીની ધરપકડ કરી છે, જેને કોર્ટમાં રજૂ કર્યા બાદ જેલમાં મોકલી દેવામાં આવ્યો છે. સહારનપુર પોલીસે આતંકવાદી વાની પર 25 હજાર રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું. પકડાયેલો આતંકવાદી હિઝબુલ મુજાહિદ્દીનનો સક્રિય સભ્ય હોવાનું કહેવાય છે.