દિલ્હીઃ આગામી વર્ષે ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જે પૂર્વે જ વિપક્ષના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે આજે મોટી જાહેરાત કરી હતી. અખિલેશ યાદવે વિધાનસભા ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી હતી.
ઉત્તરપ્રદેશમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ 2017માં શપથ લીધી ત્યારે તેઓ ગોરખપુરના સાંસદ હતા. ત્યાર બાદ તેઓ વિધાનસભાની પેટાચૂંટણી જીતીને ધારાસભ્ય બન્યાં હતા. હાલ અખિલેશ યાદવ અલીગઢના સાંસદ છે. આ વખતે યોગી અયોધ્યાથી વિધાનસભાની ચૂંટણી લડે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.
ઉત્તરપ્રદેશમાં પાંચ વર્ષ સત્તામાં રહેલી ભાજપને આ વખતે સમાજપાદી પાર્ટી પણ મોટો પડકાર આપે તેવુ લાગી રહ્યું છે. બીજી તરફ અખિલેશ યાદવ અને તેમની પાર્ટીના કાર્યકરો વિધાનસભાની ચૂંટણીને લઈને અત્યારથી જ પ્રચાર-પ્રસાર કરી રહ્યાં છે. બીજી તરફ ભાજપના ગૃહમંત્રી અમિત શાહે તાજેતરમાં જ ઉત્તરપ્રદેશના પ્રવાસમાં ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે બેઠક કરી હતી. ઉત્તરપ્રદેશમાં આ વખતે ભાજપ કાયદો અને વ્યવસ્થા મુદ્દે પ્રજાની વચ્ચે જશે. ભાજપે વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રણનીતિ તૈયાર કરી છે. એટલું જ નહીં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો મુખ્યમંત્રી પદનો ચહેરો યોગી જ રહેવાના સંકેત તાજેતરમાં જ અમિત શાહે આપ્યાં હતા.
ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે કોંગ્રેસ પણ વધારે સક્રીય જોવા મળે છે. વિધાનસભાની ચૂંટણીની કમાન પ્રિયંકા ગાંધીને સોંપવામાં આવી છે. પ્રિયંકા ગાંધી ખેડૂત અને ગરીબથી લઈને તમામ વર્ગના લોકોના સતત સંપર્કમાં રહેવાનો પ્રયાસ કરે છે. આ આ વખતે ઉત્તરપ્રદેશની ચૂંટણીમાં ભારે રસાકસી જોવા મળવાની શકયતા છે. આ વખતે ઉત્તરપ્રદેશની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ, સપા, બસપા અને કોંગ્રેસ વચ્ચે રસાકસી જોવા મળશે.