Site icon Revoi.in

ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીઃ સીએમ યોગી BJPના હાઈકમાન્ડના આદેશ અનુસાર ઉમેદવારી નોંધાવશે

Social Share

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં ચાલુ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે તેની ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી લીધી છે. દરમિયાન ઉત્તરપ્રદેશની વિધાનસભાની ચૂંટણીમાં સીએમ યોગી આદિત્યનાથ પણ ઉમેદવારી નોંધાવશે. જો કે, તેઓ ક્યાંથી ચૂંટણી લડશે તે અંગે ભાજપનું મવડી મંડળ નિર્ણય લેશે. જો કે, વિધાનસભાની ચૂંટણીમાં ફરીથી બહુમતી મેળવીને સત્તા જાળવી રાખવાની આશા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વ્યક્ત કરી હતી.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે તેઓ વિધાનસભા ચૂંટણી લડશે. ક્યાંથી ચૂંટણી લડવી, આ પાર્ટી નક્કી કરશે. સીએમ યોગીએ દાવો કર્યો હતો કે ભાજપ આ વખતે પણ 300થી વધુ બેઠકો જીતીને રાજ્યમાં સરકાર બનાવશે. ચૂંટણી સમયસર કરાવવાનું ભારપૂર્વક સમર્થન કરતાં તેમણે કહ્યું કે વિધાનસભા ચૂંટણીની જાહેરાતનો નિર્ણય પંચે લેવાનો છે. સપા પ્રમુખ અખિલેશ યાદવ પર કટાક્ષ કરતા તેમણે કહ્યું કે જે લોકો તેમની સરકારમાં વીજળી નથી આપતા તેઓ મફતમાં વીજળી શું આપશે?

પોતાના નિવાસસ્થાને પત્રકારો સાથેની વાતચીતમાં સીએમ યોગીએ વિધાનસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે છેલ્લી વખત ભાજપ સપા સરકારની નિષ્ફળતાઓના મુદ્દે ચૂંટણી મેદાનમાં ઉતરી હતી. આ વખતે તેઓ પોતાની સરકારની ઉપલબ્ધિઓ સાથે ચૂંટણી મેદાનમાં ઝંપલાવશે. આ વખતે પણ ભાજપ 300ને પાર કરશે. પાર્ટીને તમામ વર્ગોમાંથી વ્યાપક સમર્થન મળી રહ્યું છે.

તેમણે વધુમાં કહ્યું કે, સરકારે ગત વખતે કરેલા તમામ વચનો પૂરા કર્યા છે અને તેના આધારે તે ચૂંટણી મેદાનમાં ઉતરી રહી છે. જે રીતે વારાણસીમાં કાશી વિશ્વનાથ અને અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિર માટે કામ ચાલી રહ્યું છે તે જ રીતે મથુરામાં કૃષ્ણ જન્મભૂમિ મંદિર માટે પણ કામ ચાલી રહ્યું છે.

સપા પ્રમુખ અખિલેશ યાદવ દ્વારા સરકારની રચના બાદ ખેડૂતોને સિંચાઈ માટે 300 યુનિટ મફત વીજળી અને મફત વીજળી આપવાની જાહેરાતને લઈને પૂછવામાં આવેલા સવાલ પર સીએમ યોગીએ કહ્યું કે સપાના શાસનમાં 75 જિલ્લામાંથી માત્ર ચાર જિલ્લામાં જ વીજળી મળી હતી. અમારી સરકાર તમામ 75 જિલ્લામાં વીજળી પૂરી પાડી રહી છે. જેમણે બિલકુલ વીજળી નથી આપી તેઓ મફત વીજળી ક્યાંથી આપશે?