લખનૌઃ ઉત્તરપ્રદેશમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ ત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપ દ્વારા ઉત્તરપ્રદેશ ચૂંટણીની જવાબદારી અમિત શાહ, જે.પી.નડ્ડા અને રાજનાથસિંહને આપી હોવાનું જાણવા મળે છે. જો કે, સમગ્ર ચૂંટણીના પ્રચાસપ્રચાર ઉપર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી નજર રાખી રહ્યાં હોવાનું જાણવા મળે છે. ઉત્તરપ્રદેશની ચૂંટણી ભાજપ સહિત તમામ રાજકીય પક્ષો મહત્વની મનાઈ રહી છે. દિલ્હીનો માર્ગ ઉત્તરપ્રદેશ થઈને જતો હોવાથી તમામ રાજકીય પક્ષો ઉત્તરપ્રદેશ વિધાનસભાને વધારે મહત્વ આપી રહ્યાં હોવાનું મનાઈ રહ્યું છે.
ભાજપની કોર કમીટની મીટીંગ મળી હતી. લગભગ 3 કલાક સુધી ચાલેલી આ બેઠકમાં વિવિધ મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવી હતી. ભાજપના સૂત્રોના જણાવ્યા અનુસાર આ ચૂંટણીમાં ભાજપ સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ અને સાંસ્કૃતિક ઉત્થાનના સંકલ્પ સાથે લોકોની વચ્ચે જશે. કેન્દ્ર અને રાજ્ય સરકારોની સિદ્ધિઓની સાથે સાથે પાર્ટી ધર્મધ્વજને પણ મહત્વ આપી રહી છે. રાજ્યની કાયદો અને વ્યવસ્થા પણ પાર્ટીનું મુખ્ય ચૂંટણી શસ્ત્ર હશે. ભાજપ યુપીની જીત માટે કોઈ કસર છોડશે નહીં. પ્રચાર-પ્રસારની કમાન પીએમ નરેન્દ્ર મોદી અને અમિત શાહના હાથમાં રહેશે. પક્ષના જે હોદ્દેદારો ચૂંટણી લડવા માંગે છે તેમણે તેમના હોદ્દા છોડવા પડશે. પાર્ટી કેન્દ્ર અને રાજ્ય સરકારની સિદ્ધિઓને રાજ્યના દરેક વ્યક્તિ સુધી લઈ જશે. આ સાથે પાર્ટી ચૂંટણીમાં પોતાની હિન્દુત્વની છબી પણ જાળવી રાખશે.
સોમવારે ભાજપ પ્રદેશ કાર્યાલયમાં આ બેઠક લગભગ 9 વાગ્યે શરૂ થઈ હતી, જે 12.10 વાગ્યે પૂરી થઈ હતી. જેમાં પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા, પ્રદેશ મહાસચિવ સંગઠન બી.એલ.સંતોષ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ભાજપના પ્રદેશ પ્રભારી રાધા મોહન સિંહ, પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહ, નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય અને ડૉ. દિનેશ શર્મા, રાજ્યના પ્રભારી ડૉ. મહામંત્રી સંગઠન સુનિલ બંસલ, રાજ્ય સહ સંગઠન મંત્રી કર્મવીર ઉપસ્થિત રહ્યા હતા. ડિસેમ્બરમાં યોજાનાર શ્રીકાશી વિશ્વનાથ કોરિડોરનું ઉદ્ઘાટન ભવ્યતા સાથે કરવાની રણનીતિ બનાવવામાં આવી હતી. પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને પાર્ટીના અન્ય મોટા નેતાઓના આગામી કાર્યક્રમો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. ડિસેમ્બરમાં યોજાનારી પાર્ટીની વિજય રથયાત્રાની સફળતા માટે વ્યૂહરચના ઘડવામાં આવી હતી.