લખનૌ : અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના રાષ્ટ્રીય મહાસચિવ તથા ઉત્તરપ્રદેશના પ્રભારી પ્રિયંકા ગાંધીએ ઉત્તરપ્રદેશમાં ધામા નાખ્યાં છે. દરમિયાન પાર્ટીએ ઉત્તરપ્રદેશમાં રૂ. 10 લાખ સુધીની સારવાર મુફ્તમાં કરાવવાની જાહેરાત કરી છે. પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કર્યું છે કે, કોરોના કાળમાં અને અત્યારે ઉત્તરપ્રદેશમાં ફેલાયેલા રોગચાળા વચ્ચે સરકારના આરોગ્ય વિભાગની કામગીરી તમામે જોઈએ છે. સસ્તા અને સારી સારવાર માટે ધોષણા સમિતિની સહમતિમાં ઉત્તરપ્રદેશ કોંગ્રેસનો નિર્ણય કર્યો છે કે, ઉચ્ચરપ્રદેશમાં કોંગ્રેસની સરકાર આવશે તો બીમારીમાં રૂ. 10 લાખ સુધીની સારવાર ફ્રીમાં કરવામાં આવશે.
આગામી વર્ષે ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેની ભાજપ અને કોંગ્રેસ સહિતની રાજકીય પાર્ટીઓએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. એટલું જ નહીં પ્રચાર પણ અત્યારથી શરૂ કરી દેવામાં આવ્યો છે. કોંગ્રેસે આ ચૂંટણીમાં કોઈ પણ રાજકીય પાર્ટી સાથે ગઠબંધન વગર મેદાનમાં ઉતરવાનો નિર્ણય કર્યો છે. જ્યારે સપા અને બસપાએ પણ પોતાની રીતે ચૂંટણી જંગની રણનીતિ તૈયાર કરી છે. આમ ઉત્તરપ્રદેશની ચૂંટણીમાં ભારે રસાકસી જોવા મળે તેવી શકયતા છે.