- ફરજમાં બેદરકારી મામલે તબીબો સામે કાર્યવાહી કરાઈ
- સરકારની કાર્યવાહીને પગલે આરોગ્ય વિભાગમાં ખળભળાટ
લખનૌઃ ઉત્તર પ્રદેશની યોગી સરકારે ડોક્ટરો સામે મોટી કાર્યવાહી કરી છે. યુપીના સ્વાસ્થ્ય વિભાગમાં મોટી કાર્યવાહી કરતા યોગી સરકારે 26 ડોક્ટરોને બરતરફ કરવાના નિર્દેશ જારી કર્યા છે. ફરજમાં બેદરકારી અને ફરજ પર સતત ગેરહાજર રહેવાના કારણે તબીબો સામે આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. બરતરફ કરાયેલા તબીબો ફરજ પરથી સતત ગેરહાજર હોવાની ફરિયાદો મળી હતી. જેના પરિણામે યોગી સરકારે આ કાર્યવાહી કરી હોવાનું જાણવા મળે છે. યોગી સરકાર દ્વારા ફરજમાં બેદરકારી દાખવનાર તબીબો સામે કાર્યવાહી કરવામાં આવતા આરોગ્ય વિભાગમાં ખળભળાટ મચી ગયો છે.
યુપીના ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠકે કહ્યું કે, બેદરકારી કરનારાઓને બક્ષવામાં આવશે નહીં. તમામ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ડેપ્યુટી સીએમએ કહ્યું કે, સામાન્ય લોકોને ઉચ્ચ કક્ષાની આરોગ્ય સેવાઓ પૂરી પાડવી એ સરકારની પ્રથમ પ્રાથમિકતા છે.
સુત્રોના જણાવ્યા અનુસાર યોગી સરકાર દ્વારા જે ડોક્ટરોને બરતરફ કરવામાં આવ્યા છે તેમાં જાલૌન, બરેલી, મૈનપુરી, સિદ્ધાર્થનગર, લલિતપુર, બલિયાના ડોક્ટરોનો સમાવેશ થાય છે. આ સાથે બસ્તી, રાયબરેલી, મથુરા, ફિરોઝાબાદ, બહરાઈચ, સહારનપુર, શાહજહાંપુરના ડોક્ટરોને પણ બરતરફ કરવામાં આવ્યા છે. સરકાર દ્વારા તબીબોને બરતરફ કરવાની સાથે જ ડાયરેક્ટોરેટ જનરલ ઓફ હેલ્થમાં જોઈન્ટ ડાયરેક્ટર તરીકે તૈનાત ડો. નીના વર્મા પાસેથી ખુલાસો માંગવામાં આવ્યો છે. ઉપરાંત, ત્રણ ડોકટરોના બે-બે ઇન્ક્રીમેન્ટ બે વર્ષ માટે અટકાવી દેવામાં આવ્યા છે અને એકને સેન્સર એન્ટ્રી આપવામાં આવી છે.