ઉત્તરપ્રદેશઃ વિંધ્યવાસની મંદિરમાં ભક્તે 101 કિલો વજનનો ચાંદીનો દરવાજો અર્પણ કર્યો
લખનૌઃ મિર્ઝાપુરના વિંધ્યાચલમાં આવેલા સુપ્રસિદ્ધ વિધ્યવાસની મંદિર એક ભક્તે પોતાની મનોકામના પૂરી થતા 101 કિલો ચાંદીથી બનેલા દરવાજા અર્પણ કર્યાં હતા. મંદિરના ગર્ભ ગૃહમાં પ્રવેશ દ્વાર ઉપર આ ચાંદીના દરવાજા વૈદિક મંત્રોચ્ચાર બાદ મુખ્ય દ્વાર પર સ્થાપિત કરાયાં છે. આ દરવાજાની કિંમત લગભગ 80 લાખ આંકવામાં આવી રહી છે.
વિંધ્યવાસની મંદિરમાં અર્પણ કરાયેલો દરવાજો સવા પાંચ ફુટ લાંબો અને બે ફુટ પહોળો છે, તેમજ તેને રાજસ્થાનમાં તૈયાર કરવામાં આવ્યો છે. દરવાજાને લગાવવા માટે રાજસ્થાનના ઝુઝુનુ જિલ્લાના પાંચ કારીગરને પણ લાવવામાં આવ્યાં છે. મંદિરમાં જ્યાં આ દરવાજો લગાવવામાં આવ્યો છે ત્યાં પહેલા પીતળનો દરવાજો હતો. ચાંદીનો દરવાજો અર્પણ કરનાર ભક્ત રાંચીના હોવાનું જાણવા મળે છે. તેમજ આ પ્રસંગ્રે માતાજીની વિશેષ પૂજા-અર્ચના પણ કરી હતી. ભક્ત સંજય ચૌધરીએ જણાવ્યું હતું કે, તેઓ લગભગ 25 વર્ષથી રાંચીથી વિંધ્યાચલ આવે છે. તેઓ બંને નવરાત્રીમાં પરિવાર સાથે માતાજીની પૂજા-અર્ચના કરે છે. નવરાત્રિમાં તેમણે મનમાં સંકલ્પ કર્યો હતો કે, એક દિવસ માતાજીના ગર્ભગૃહને ચાંદીનો દરવાજો લગાવશે. તેમણે કહ્યું કે, માતાજીના આર્શિવાદથી ચાંદીનો દરવાજો લગાવવાનો સંકલ્પ પુરો થયો છે.
ગત ઓગસ્ટ મહિનામાં બિહારના એક મંત્રીએ માતાજીને એક કિલો ચાંદીનો મુગટ અર્પણ કર્યો હતો. તેની કિંમત 50 લાખ જેટલી આંકવામાં આવી હતી. વિધ્યવાસિની માતાજીના દર્શન કરવા માટે સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે અને માતાજીના દર્શન કરીને પૂજા-અર્ચના કરે છે.