- બોઈલર ફાટતા દૂર્ઘટના સર્જાયાની શકયતા
- આ બનાવમાં 20 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયાં
- સીએમ યોગીએ દુર્ઘટનાને લઈ શોક વ્યક્ત કર્યો
લખનૌઃ ઉત્તર પ્રદેશના હાપુડમાં કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટ થતાં ખળભળાટ મચી ગયો હતો. આ દૂર્ઘટનામાં 8 મજૂરોના મોત થયા હોવાનું જાણવા મળે છે. જ્યારે 20 લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળે છે. સમગ્ર ઘટનાને પગલે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ દુઃખ વ્યક્ત કર્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર હાપુડમાં એક કેમિકલ ફેક્ટરીમાં બોઈલર ફાટતા આગ લાગી હતી જેથી નાસભાગ મચી ગઈ હતી. આ બનાવમાં આઠ શ્રમજીવીઓના મોત થયાં હતા. અનેક લોકો ફસાયા હતા. આ બનાવની જાણ થતા ફાયરબ્રિગેડ અને પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. તેમજ બચાવ કામગીરી આરંભી હતી. આ બનાવમાં 20 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. આ બનાવને પગલે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં હતા. યુપીના સીએમ યોગી આદિત્યનાથે હાપુડમાં બોયલર ફાટવાથી લાગેલી આગમાં થયેલા મોત પર ઉંડા શોકની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે મૃતકોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તો વળી મુખ્યમંત્રીએ આઈજી અને કમિશ્નર સહિત તમામ ઉંચ્ચ અધિકારીઓને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચવાના આદેશ આપ્યા હતા અને આ ઘટનાની તપાસ કરવા કહ્યું છે. આ ઉપરાંત સીએમે દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોને યોગ્ય સારવાર આપવાની પણ ખાતરી આપી છે. હાપુડમાં આવેલી કેમિકલ ફેક્ટરીમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા તંત્રએ તપાસ શરૂ કરી હતી.