ઉત્તરપ્રદેશ ચૂંટણીઃ યોગી આદિત્યનાથએ ગોરખપુર બેઠક ઉપરથી ઉમેદવારી ફોર્મ ભર્યું
દિલ્હીઃ ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ વધારે તેજ થયો છે. રાજકીય પક્ષો દ્વારા એક-બીજા ઉપર આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરવામાં આવતા રાજકીય માહોલ ગરમાયો છે. દરમિયાન આજે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ ગોરખપુર બેઠક ઉપરથી ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. આ વખતે દેશના ગૃહમંત્રી અમિત શાહ પણ તેમની સાથે ઉપસ્થિત રહ્યાં હતા.
ઉત્તરપ્રદેશની ચૂંટણીમાં ભાજપ દ્વારા મુખ્યમંત્રી યોગીને ગોરખપુર શહેરની બેઠક ઉપરથી ઉમેદવાર જાહેર કર્યાં હતા. દરમિયાન આજે ભાજપના સિનિયર નેતા અમિત શાહ ઉત્તરપ્રદેશ ગયા હતા. ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા યોગી આદિત્યનાથએ ગોરખનાથબાબાની પૂજા કરી હતી. બીજી તરફ અમિત શાહ અને યોગીએ વિશાલ રેલીને સંબોધી હતી. દરમિયાન અમિત શાહે કહ્યું કે, ઉત્તરપ્રદેશના ઇતિહાસમાં ફરી નવો ઈતિહાસ બનવા જઈ રહ્યો છે. યોગીજીના નામાંકન સાથે ભાજપ ઉત્તરપ્રદેશમાં 300થી વધારે બેઠક ઉપર વિજયી થશે.
સીએમ યોગીએ ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા કહ્યું કે, ભાજપ પોતાના સહયોગીઓ સાથે ઉત્તરપ્રદેશમાં પોતાનું વર્ચસ્વ બતાવશે. ઉત્તરપ્રદેશમાં પાંચ વર્ષમાં જીવનના દરેક ક્ષેત્રમાં જન અપેક્ષાઓ ઉપર ખરા ઉતરવાનું કામ કર્યું છે. ઉત્તરપ્રદેશ અને દેશમાં ભાજપ સરકાર સામે કોઈ નકારાત્મક ટીપ્પણી કરી ના શકે. ગરીબોને મકાન મળ્યાં છે, શૌચાલય બનાવવામાં આવ્યાં છે. કોઈ ભેદભાવ વગર આસ્થાનું સમ્માન અને સુરક્ષા પુરી પાડવામાં આવી છે. આમ પાંચ વર્ષના સમયગાળામાં રાજ્ય અને કેન્દ્ર સરકારે અનેક વિકાસ કાર્યો કર્યાં છે. યોગી આદિત્યાનાથએ ગોરખપુર શહેર બેઠક ઉપર ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. ત્યારે ભાજપના સિનિયર નેતા અમિત શાહ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા. તેમજ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો પણ ઉમટી પડ્યાં હતા.