લખનૌઃ ઉત્તરપ્રદેશમાં ચૂંટણી જાહેરાત થયાં બાદ રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો દ્વારા પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે. બીજી તરફ ભાજપના કેટલાક નેતાઓએ પાર્ટી સાથે છેડો ફાડીને અન્ય પક્ષમાં જોડાયાં છે. જેથી ભાજપ દ્વારા ડેમેજ કન્ટ્રોલની કવાયત શરૂ કરવામાં આવી છે. ભાજપ દ્વારા સત્તાને જાળવી રાખવા માટે પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણસિંહની ફોર્મ્યુલા અપનાવી છે. ભાજપ સૌથી વધારે ઓબીસી અને દલિત ધારાસભ્યો અને ઉમેદાવોર મેદાનમાં ઉતારવા જઈ રહી છે.
ભારતીય જનતા પાર્ટી (BJP) એ ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022 માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. પાર્ટીએ ચૂંટણીના પ્રથમ તબક્કા માટે 57 અને બીજા તબક્કા માટે 48 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ભાજપના સૂત્રોનું માનીએ તો, પાર્ટીએ યુપીની સત્તા પાછી મેળવવા માટે એ જ ફોર્મ્યુલા અપનાવી છે, જેનું પાલન કલ્યાણ સિંહ કરતા હતા. વાસ્તવમાં ભાજપ ઓબીસી અને દલિત સમાજને જોડીને ‘મિશન-300 પ્લસ’ હાંસલ કરવા માંગે છે.
નિષ્ણાતોના એક વર્ગ અને વિપક્ષી સભ્યોએ દાવો કર્યો છે કે, OBCનો ભાજપથી મોહભંગ થઈ ગયો છે. તે જ સમયે, યોગી કેબિનેટનો ભાગ બનેલા સ્વામી પ્રસાદ મૌર્ય, ડૉ. ધરમ સિંહ સૈની અને દારા સિંહ ચૌહાણ સહિત અનેક ધારાસભ્યો બાદ એવું લાગી રહ્યું હતું કે રાજ્યમાં ઓબીસી વોટ બેંક અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટી તરફ જઈ રહી છે. જોકે, કલ્યાણ સિંહની ફોર્મ્યુલા અપનાવીને ભાજપે પહેલા અને બીજા તબક્કામાં સૌથી વધુ 44 ટિકિટ ઓબીસી ધારાસભ્યો અથવા દાવેદારોને આપી છે, આમ ભાજપ દ્વારા ડેમેજ કન્ટ્રોલની કવાયત શરૂ કરી છે. ભાજપે 1991ની વિધાનસભા ચૂંટણીમાં આ ફોર્મ્યુલા અપનાવી હતી અને પૂર્ણ બહુમતી મેળવી હતી. જ્યારે 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપે ઓબીસી અને દલિત સમાજની એકતાના બળ પર ઈતિહાસ રચ્યો હતો. 2019ની લોકસભા ચૂંટણીમાં પણ આવું જ જોવા મળ્યું હતું.
ભાજપે યુપી ચૂંટણીના પહેલા અને બીજા તબક્કા માટે 107 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં સૌથી મહત્વની વાત એ છે કે પાર્ટીએ તેના 83 વર્તમાન ધારાસભ્યોમાંથી 63ને ફરી મેદાનમાં ઉતાર્યા છે અને 20 બેઠકો પર નવા ઉમેદવારોની જાહેરાત કરી છે. આ સાથે જ OBC અને દલિત સમાજને એક રાખીને કલ્યાણ સિંહની ફોર્મ્યુલા અપનાવીને 44 OBC અને 19 દલિતોને ટિકિટ આપવામાં આવી છે, જે લગભગ 60 ટકા છે. ભાજપની યાદીમાં 10 મહિલા ઉમેદવારો પણ સામેલ છે.