ઉત્તરપ્રદેશ ચૂંટણીઃ ભાજપના મહિલા સાંસદે દીકરા માટે લખનૌ કેંટની ટીકીટની કરી માંગણી
લખનૌઃ ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીને પગલે રાજકીય માહોલ ગરમાયો છે. વિવિધ રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોની પસંદગીને લઈને લંબાણ પૂર્વકની બેઠકો ચાલી રહી છે. ભાજપ દ્વારા કેટલીક બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યાં છે. બીજી તરફ ભાજપના કેટલાક આગેવાનોએ પોતોના સંતાનો અને પરિચીતો માટે ટિકીટની માંગણી કરી હોવાનું જાણવા મળે છે. દરમિયાન ભાજપના સાંસદ રીટા બહુગુણા જોશીએ પણ પોતોના દીકરા માટે લખનૌ કેંટની બેઠક માટે ટીકીટની માંગણી કરી છે.
સુત્રોના જણાવ્યા અનુસાર ભાજપના સાંસદ રીટા બહુગુણાએ પોતાના દીકરા મયંક જોશી માટે ટીકીટની માંગણી કરી છે. તેમજ કહ્યું છે કે, જો દીકરાને લખનૌ કેંટની ટીકીટ આપવામાં આવે તો સાંસદ પદ ઉપરથી પણ રાજીનામું આપવા તૈયર છું. ભાજપના મહિલા સાંસદના આ નિવેદનને પગલે રાજકીય માહોલ ગરમાયો છે. લખનૌ કેંટ બેઠક ઉપરથી ભાજપના અનેક નેતાઓએ ટીકીટ માટે દાવેદારી કરી છે. રીટા બહુગુણાએ ટીકીટની માંગણી કરતા અન્ય સહયોગી દળોમાં પણ બેઠકનો દોર શરૂ થયો છે. જો કે, હવે જોવાનું એ છે કે, ભાજપ દ્વારા મયંક જોશીને લખનૌ કેંટ બેઠક ઉપરથી ટીકીટ ફાળવવામાં આવે છે કે કેમ.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભાજપ દ્વારા પ્રથમ બે તબક્કાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને 80થી વધારે ઉમેદવારોની પસંદગી કરી છે. આ ઉપરાંત અન્ય બેઠકો ઉપર ઉમેદવારોની પસંદગીને લઈને ચર્ચાનો દોર ચાલી રહ્યો છે. આજે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશના ભાજપના કાર્યકરો સાથે વિધાનસભાની ચૂંટણીને લઈને સંવાદ કર્યો હતો.