ઉત્તરપ્રદેશ ચૂંટણીઃ પ્રથમ તબક્કાના 615 ઉમેદવારો પૈકી 156 સામે ફોજદારી કેસ
- 280 જેટલા ઉમેદવારો કરોડપતિ
- 108 ઉમેદવારોનો પોસ્ટ ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ
- 70થી વધુ ઉમેદવારોની ઉંમર 60 વર્ષથી વધુની ઉમંરના
નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. તેમજ તમામ રાજકીય પક્ષો દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. દરમિયાન ચૂંટણીના પ્રથમ તબક્કામાં 615 રાજકીય નેતાઓએ ઉમેદવારી નોંધાવી છે. જે પૈકી 156 ઉમેદવારો સામે ફોજદારી કેસ થયાનું ખુલ્યું છે. જ્યારે 280 ઉમેદવારો કરોડપતિ છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ આ ઉમેદવારો વિશે તેમના સોગંદનામાના આધારે માહિતી આપી હતી.
એડીઆરના રિપોર્ટ અનુસાર ઉત્તર પ્રદેશના 11 જિલ્લાઓની 58 વિધાનસભા બેઠકો પરથી રાજકીય પક્ષોના 615 ઉમેદવારો અને અપક્ષ ઉમેદવારોના સોગંદનામાનું વિશ્લેષણ કર્યું છે. યુપી ચૂંટણીના પ્રથમ તબક્કાના 70થી વધુ ઉમેદવારોની ઉંમર 60 વર્ષથી વધુ છે. 15 અભણ છે, જ્યારે 38 ઉમેદવારોએ પોતાને સાક્ષર ગણાવ્યા છે. 10 ઉમેદવારોએ ધોરણ 5 સુધી અભ્યાસ કર્યો છે. 65એ ધોરણ-10 અને 102 ઉમેદવારોએ ધોરણ-12 સુધી અભ્યાસ કર્યો છે. 100 ઉમેદવારો પાસે સ્નાતકની ડિગ્રી છે, જ્યારે 78 વ્યાવસાયિક સ્નાતક છે. 108 ઉમેદવારોએ પોસ્ટ ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ કર્યો છે. 18 પીએચડી અને સાત ડિપ્લોમાધારકો છે. 12 ઉમેદવારોએ તેમના અભ્યાસની વિગતો આપી નથી. 239 ઉમેદવારો (39 ટકા) એ તેમની શૈક્ષણિક લાયકાત વર્ગ 5 અને 12 ની વચ્ચે જાહેર કરી છે. જ્યારે 304 ઉમેદવારો (49 ટકા) એ તેમની શૈક્ષણિક લાયકાત ગ્રેજ્યુએશન અથવા તેથી વધુ જાહેર કરી છે.