ઉત્તરપ્રદેશ ચૂંટણીઃ ભાજપના સ્ટાર પ્રચારકોની યાદીમાં હેમા માલિનીનો સમાવેશ
લખનૌઃ ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત બાદ ભાજપ અને કોંગ્રેસ દ્વારા ચૂંટણી પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે. હાલ કોરોના મહામારીને પગલે સોશિયલ મીડિયાની સાથે સાથે કોરોના ગાઈડલાઈન અનુસાર પ્રચાર કરવામાં આવી રહ્યો છે. જો કે, આગામી દિવસોમાં રાજકીય આગેવાનોની રેલીઓ અને સભા યોજાય તેવી શકયતા છે. દરમિયાન ભાજપ દ્વારા ચૂંટણી પ્રચાર માટે 30 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરવામાં આવી છે. ફિલ્મ અભિનેત્રી અને ભાજપના મહિલા સાંસદ હેમા માલિનીને પણ સ્ટાર પ્રચારકોની યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ દ્વારા આજે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા, કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહ, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને હેમા માલિનીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સ્ટાર પ્રચારકો આગામી દિવસોમાં ઉત્તરપ્રદેશમાં જંગી રેલીઓની સાથે જનસભાઓ કરીને ભાજપનો પ્રચાર-પ્રસાર કરશે. કોરોના મહામારીને પગલે ચૂંટણી પંચે 22મી જાન્યુઆરી સુધી રેલીઓ અને જાહેર સભાઓ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો હતો. આ પ્રતિબંધ અગાઉ 15મી જાન્યુઆરી સુધી લગાવવામાં આવ્યો હતો. જો કે, કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પ્રતિબંધ લંબાવવામાં આવ્યો હતો. તા. 22મી જાન્યુઆરી પહેલા ચૂંટણી રેલીઓ અને સભાઓને લઈને મહત્વનો નિર્ણય ચૂંટણીપંચ દ્વારા લેવામાં આવશે.