લખનૌઃ વસ્તીના મામલે સમગ્ર દેશમાં સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશમાં તા. 10મી ફેબ્રુઆરીના રોજ વિધાનસભાના પ્રથમ તબક્કાની ચૂંટણી માટે મતદાન યોજાશે. ગુરુવારે પશ્ચિમી યુપીના 11 જિલ્લાની 58 સીટો ઉપર મતદાન થશે. મતદાન સવારે 7થી સાંજના 6 કલાક સુધી મતદાન કરી શકાશે. ચૂંટણીપ્રચારનો પડઘમ મંગળવારે સાંજે શાંત થયો હતો. 2.25 કરોડથી વધારે મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. બીજી તરફ ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
પ્રથમ તબક્કામાં શામલી, મુજફ્ફરનગર, મેરઠ, બાગપત, ગાઝિયાબાદ, હાપુડ, ગૌત્તમબુદ્ધ નગર, બુલંદશહર, અલીગઢ, મથુરા અને આગરાની વિધાનસભાની 58 બેઠક ઉપર મતદાન યોજાશે. પ્રથમ તબક્કામાં 623 ઉમેદવારોના ભાવી આવતીકાલે સાંજે મતદાન પેટીમાં સીલ થશે. પ્રથમ તબક્કા માટે 810 ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યાં હતા. સૌથી વધારે 15-15 ઉમેદવારો મુઝફ્ફરનગર અને મથુરા બેઠક ઉપર છે. સૌથી ઓછા પાંચ ઉમેદવાર અલીગઢની ઇગલાસ બેઠક ઉપર છે. આવતીકાલે 2.27 કરોડ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. ગત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાની 58 બેઠકો પૈકી 53 ઉપર ભાજપ, સપા અને બસપા બે-બે અને એક સીટ ઉપર રાષ્ટ્રીય લોકદળની જીત થઈ હતી.
યોગી સરકારના મંત્રી સુરેશ રાણા, પશુધન મંત્રી લક્ષ્મી નારાયણ ચૌધરી, ઉર્જા મંત્રી શ્રીકાંત શર્મા, વ્યાવસાયિક શિક્ષા અને કૌશલ વિકાસ રાજ્ય મંત્રી કપિલ દેવ અગ્રવાલ, આરોગ્ય રાજ્યમંત્રી અતુલ ગર્ગ, સંદીપસિંહ, સમાજ કલ્યાણ રાજ્યમંત્રી જી.એસ.ધર્મેશ, વન રાજ્યમંત્રી અનિત શર્મા અને જળશક્તિ અને પૂર નિયંત્રણ મંત્રી દિનેશ ખટીક સહિતના આગેવાનોના ભાવી આવતીકાલે મતદાન પેટીમાં સીલ થશે.
(Photo-file)