Site icon Revoi.in

ઉત્તરપ્રદેશ ચૂંટણીઃ પ્રથમ તબક્કામાં 58 બેઠકો ઉપર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન

Social Share

લખનૌઃ ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં 11 જિલ્લાની 58 બેઠકો ઉપર આજે મતદાન યોજાયું હતું. સવારે 7 વાગે કોરોનાની ગાઈડલાઈન અનુસાર મતદાન શરૂ થયું હતું અને સાંજના છ વાગ્યા સુધીમાં એકંદરે સરેરાશ 60થી 65 ટકા જેટલુ મતદાન થયું હોવાનું જાણવા મળે છે. તેમજ યોગી સરકારના નવ મંત્રીઓ સહિત 623 જેટલા ઉમેદવારોના ભાવી ઈવીએમમાં સીલ થયાં હતા. હવે આગામી તા. 10મી માર્ચના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. મતદાન પૂર્ણ થયા બાદ તમામ ઈવીએમ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સ્ટ્રોંગરૂમ ખાતે લઈ જવામાં આવ્યાં હતા.

ઉત્તરપ્રદેશની 58 બેઠકો ઉપર સવારે મતદાન શરૂ થયાના બે કલાકમાં લગભગ આઠ ટકા જેટલું મતદાન થયું હતું. જ્યારે સવારના 11 કલાક સુધીમાં 20 ટકા અને બપોરના 1 વાગ્યા સુધીમાં 35 ટકા જેટલું મતદાન થયું હતું. સવારથી જ મતદાન મથકો ઉપર મતદારોની લાંબી લાઈનો જોવા મળથી હતી. પ્રથમ તબક્કાની ચૂંટણીમાં બપોરના 3 વાગ્યા સુધીમાં 48.24 ટકા જેટલુ મતદાન થયું હતું. જેમાં સૌથી વધારે શામલી જિલ્લામાં 53.13 ટકા મતદાન નોંધાયું હતું. જ્યારે મુઝફ્ફરનગર જિલ્લામાં 52.23, બાગપત જિલ્લામાં 50.21, મેરઠમાં 47.86 ટકા, હાપુડમાં 51.67 ટકા, ગાઝિયાબાદમાં 44.88 ટકા, ગૌતમ બુદ્ધનગરમાં 48.29 ટકા, અલીગઢમાં 45.89 ટકા, મથુરામાં 49.17 ટકા અને આગરામાં 47.53 જેટલુ મતદાન થયું હતું.

સાંજના પાંચ કલાક સુધીમાં 11 જિલ્લામાં લગભગ 57.79 ટકા જેટલુ મતદાન નોંધાયું હતું. શામલીમાં 61.68, મુઝફ્ફરનગરમાં 62.14, મેરઠમાં 58.52, બાગપતમાં 61.35, ગાઝિયાબાદમાં 54.77, હાપુડમાં 60.50, ગૌતમબુદ્ધનગરમાં 54.77, બુલંદશહરમાં 60.52, અલીગઢમાં 57.25, મથુરામાં 58.51 અને આગરામાં 56.61 ટકા મતદાન નોંધાયું હતું. મતદાન દરમિયાન કેટલાક મતદાન કેન્દ્રો ઉપર રાજકીયપક્ષોના કાર્યકરો વચ્ચે મારામારીના બનાવો પણ બન્યાં હોવાનું જાણવા મળે છે.