- કેન્દ્રીય અર્ધલશ્કરી દળની 412 કંપનીઓ તૈનાત
- દિવ્યાંગ અને સિનિયર સિટીઝ મતદારો માટે વિશેષ વ્યવસ્થા
- 27 કરોડ મતદારો મતદાન કરશે
લખનૌઃ ઉત્તરપ્રદેશ વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીમાં ગુરુવારે 58 બેઠકો ઉપર મતદાન યોજાશે. મતદાન શાંતિપૂર્ણ માહોલ સંપન્ન થાય તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આવતીકાલે 11 જિલ્લાની 58 બેઠકો ઉપર લગભગ 2.27 કરોડ મતદારો મતદાન કરશે. તેમજ 623 જેટલા ઉમેદવારોના ભાવી મતદાન પેટીમાં સીલ થશે. મંગળવારે ચૂંટણીપ્રચારના પડઘમ શાંત થતા ઉમેદવારો અને કાર્યકરો દ્વારા મતદાનને લઈને રણનીતિ તૈયાર કરવામાં આવી છે.
સુત્રોના જણાવ્યા અનુસાર ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કાના મતદાન માટે લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. કાનૂન-વ્યવસ્થા જળવાય રહે તે માટે કેન્દ્રીય અર્ઘલશ્કરી દળોની 412 કંપનીઓના લગભગ 50 હજાર જવાનો વિવિધ વિસ્તારમાં તૈનાત કરવામાં આવ્યાં છે. પોલીસે રાજ્યની સીમાઓને સીલ કરી છે. તેમજ અસામાજીક તત્વોને રાઉન્ડઅપ કરવામાં આવ્યાં છે. હરિયાણા અને રાજસ્થાનની સીમાઓ ઉપર બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને વાહનોની તપાસ કરવામાં આવી રહી છે. ગુરુવારે પ્રથમ તબક્કામાં સિનિયર સિટીઝનો અને દિવ્યાંગ મતદારો માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. 10 ફેબ્રુઆરીથી 13મી ફેબ્રુઆરી વચ્ચે પોલિંગ પાર્ટીઓએ મતદાન માટે ઘરે જશે.