નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુપીના બારાબંકીમાં ચૂંટણી રેલીને સંબોધી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, ઉત્તરપ્રદેશમાં ભાજપ ગરીબોની સાથે છે અને ફરી એકવાર પાર્ટી સરકાર બનાવશે. ભાજપ સરકારએ કોરોના કાળમાં કરોડો ગરીબોને રાશન આપ્યું, કરોડો લોકોને કોરોનાની વેક્સિન ફ્રીમાં આપીને તેમને સુરક્ષિત કર્યાં છે. પરિવારવાદીઓને મુસ્લિમ દીકરીઓનું દર્દ દેખાતું નથી.
પીએમ મોદીએ અખિલેશ યાદવનું નામ લીધા વિના કહ્યું હતું કે, તેઓ કહે છે કે પરિવારવાદી છે અને પરિવારનું દર્દ સમજીએ છીએ. પરંતુ જ્યારે મુસ્લિમ દીકરીઓની સમસ્યા તેમને દેખાતી નથી. સમગ્ર ઉત્તરપ્રદેશ અમારુ પરિવાર છે અને પુરો દેશ અમારો પરિવાર છે. પરિવારવાદીઓને મુસ્લિમ દીકરીઓની સમસ્યા દેખાતી નથી પરંતુ તેમને માત્ર વોટ દેખાય છે. ઉત્તરપ્રદેશમાં વર્ષો સુધી પરિવારવાદીઓની સરકાર રહી છે પરંતુ ઉત્તરપ્રદેશના સામર્થ્ય દેખાડવાનો અવસર નથી આપ્યો. પરિવારવાદીઓ ઈચ્છે કે, ગરીબો તેમના ચરણોમાં રહે, જ્યારે અમે ગરીબોની ચિંતા કરીએ છીએ અને તેમની સમસ્યા દૂર કરવા માટે કામ કરીએ છીએ. એટલે ઉત્તરપ્રદેશના ગરીબો ભાજપની સાથે છે. મને વિશ્વાસ છે કે ફરી એકવાર મોદીને આશીર્વાદ આપશે. તેમજ લોકો કહે છે કે, આવશે તો ભાજપ જ, આવશે તો યોગી જ. ભાજપાએ સૌનો સાથ અને સૌનો વિકાસથી ઉત્તરપ્રદેશની સુરત બદલી છે.
તેમણે વધુમાં કહ્યું કે, ભાજપ સરકારે મહિલાઓની સમસ્યા સમજી અને શૌચાલયથી લઈને આવાસ યોજના, ઉજ્જવલા યોજનાનો લાભ આપ્યો છે. પોલીસમાં પણ મહિલાઓની સંખ્યામાં વધારો થયો છે મહિલાઓની મુશ્કેલીઓ માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવી છે. આ પહેલાની સરકારોએ મહિલાઓની મુશ્કેલીઓ સમજી નથી. પરંતુ 2014 બાદ અમે તમામ બદલ્યું છે અને અનેક યોજનાઓમાં કરોડો મહિલાઓને સશક્ત બનાવી છે.