લખનૌઃ ઉત્તરપ્રદેશમાં વિધાનસભા ચૂંટણીનું તા. 10મી માર્ચના રોજ પરિણામ જાહેર થશે. મતગણતરીને લઈને સમાજવાદી પાર્ટી સક્રિય થઈ છે. પાર્ટીએ મતગણતરી કેન્દ્રો ઉપર કાનૂની સલાહ માટે 2-2 વકીલ સાથે રાખવાનો નિર્ણય લીધો છે. સપાના પ્રદેશ અધ્યક્ષ નરેશ ઉત્તમ પટેલએ તમામ જિલ્લા અને મહાનગરના અધ્યક્ષોને નિર્દેશ કર્યાં છે. પાર્ટીના મતે મતગણતરી દરમિયાન કોઈ પણ કાનૂની સલાહ માટે વકીલ ઉપસ્થિત રહેશે. સમાજવાદી પાર્ટી તમામ જિલ્લા અને મહાનગરના અધ્યક્ષોને 9 માર્ચ સુધીમાં નામ મોકલવા સૂચન કરવામાં આવ્યું છે.
સુત્રોના જણાવ્યા અનુસાર પાર્ટીના અધ્યક્ષએ પત્ર લખ્યો છે કે, વિધાનસભા ચૂંટણીની મતગણતરી 10મી માર્ચના રોજ થશે. મતગણતરી સમયે કાઉન્ટિંગ બુથ ઉપર બે-બે વકીલ કાનૂની સલાહ માટે રાખવામાં આવશે જેથી જરૂર પડે તો તેમનો ઉપયોગ કરી શકાય. બંને વકીલના નામ અને મોબાઈલ નંબર 9મી માર્ચ સુધીમાં પાર્ટીને પહોંચાડવા પણ આગેવાનોને સૂચના આપવામાં આવી છે.
ઉત્તરપ્રદેશના તમામ 75 જિલ્લાની 403 બેઠકો ઉપર મતગણતરી 10મી માર્ચના રોજ યોજાશે. રાજ્યમાં સાત તબક્કામાં ચૂંટણીનું ચૂંટણીપંચ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકોએ મતદાન કર્યું છે. ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ફરીથી સરકાર બનાવવાનો દાવો કર્યો છે. જ્યારે સમાજવાદી પાર્ટીએ વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવવાનો દાવો કર્યો છે. વિધાનસભાની આ ચૂંટણીમાં ભાજપ અને સમાજવાદી પાર્ટી વચ્ચે સીધી ટક્કર જોવા મળી હતી. આ ઉપરાંત સપા અને કોંગ્રેસ દ્વારા પણ જોરશોરથી ચૂંટણી પ્રચાર કરવામાં આવ્યો છે. ઉત્તરપ્રદેશમાં કોની સરકાર બને છે તે તો 10મી માર્ચના રોજ જ ખબર પડશે.