લખનૌઃ આજના સમયમાં ટેક્નોલોજીનો કેટલો વિકાસ થયો છે, તે કાનપુરની એક ઘટનાથી સ્પષ્ટ થાય છે, જ્યાં અમેરિકામાં બેઠેલા બે ભાઈઓએ તેમના કાનપુરના ઘરમાં લૂંટની ઘટનાને અટકાવી હતી. કાનપુરના શ્યામનગરમાં મોડી રાત્રે એક બંધ મકાનમાં ચોરીના ઈરાદે ઘૂસેલા અજાણ્યા શખ્સોને સીસીટીવી કેમેરા દ્વારા જોઈને યુએસમાં બેઠેલા મકાન માલિકે પડોશીઓને જાણ કરી હતી. આ બનાવની જાણ થતા સ્થળ પર દોડી ગયેલી પોલીસને જોઈને લૂંટારૂઓએ ફાયરિંગ કર્યું હતું. જેથી પોલીસે સ્વબચાવમાં કરેલા ગોળીબારમાં એક આરોપી ઈજાગ્રસ્ત થયો હતો. ઘરની અંદર વધુ ચાર-પાંચ બદમાશો છુપાયા હોવાની આશંકામાં પોલીસે ઘરને ઘેરી લીધું હતું અને બપોરે 2.30 વાગ્યા સુધી આસપાસના વિસ્તારોમાં કોમ્બિંગ ચાલુ રાખ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર કાનપુરમાં શ્યામનગર ડી બ્લોકમાં રહેતા સોફ્ટવેર એન્જિનિયર વિજય અવસ્થી અને તેમનો પરિવાર અમેરિકામાં રહે છે. તેમના બંધ મકાનમાં ચોરીના ઈરાદે કેટલાક શખ્સો ધુસ્યાં હતા. આ ઘટના અંગે ઉચ્ચ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, વિજયભાઈનું ઘર બંધ હાલતમાં છે અને ઘરમાં હાઈકેટ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યાં છે. જેથી અમેરિકામાં બેઠા બેઠા ઉપર ઉપર નજર રાખી શકાય. દરમિયાન રાત્રે વિજયભાઈ અને તેના પરિવારે કેમેરા દ્વારા અડધા ડઝન બદમાશોને ઘરમાં પ્રવેશતા જોયા હતા. તેણે તરત જ પાડોશી ડીપી મિશ્રાને આ વિશે જાણ કરી. પાડોશીઓએ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી. આ બનાવની જાણ થતા પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. પોલીસને જોઈને ભાગવાનો પ્રયાસ કરતા લૂંટારુઓએ ગોળીબાર કર્યો હતો. જેથી પોલીસે પણ સ્વબચાવમાં ગોળીબાર કર્યો હતો. જેમાં એક આરોપીને પગમાં ગોળી વાગતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવાયો હતો.