લખનૌઃ અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. દરમિયાન ઉત્તરપ્રદેશ સહિત સમગ્ર દેશ રામમય બન્યો છે. દરમિયાન ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવની પુત્રવધુ અપર્ણા યાદવનો રામ ભક્તિનો વીડિયો સામે આવ્યો છે. અપર્ણા યાદવએ વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો છે, જેઓ તેઓ ભગવાન શ્રી રામજીનું ભજન ‘સિયારામ જય જય રામ…..’ ગાતા જોવા મળે છે. અર્પણા યાદવના આ વીડિયોને લોકો ખુબ પસંદ કરી રહ્યાં છે. આ વીડિયોમાં અપર્ણા યાદવ પૂર્ણ રીતે રામ ભક્તિમાં લીન જોવા મળે છે. લોકો અપર્ણા યાદવના કંઠની પ્રશંસા કરી રહ્યાં છે.
भगवान श्री राम जी की कृपा से गुरु जी को एक भजन भी समर्पित किया I pic.twitter.com/GID9cmHGgE
— Aparna Bisht Yadav (@aparnabisht7) January 16, 2024
જગદગુરુ સ્વામી શ્રી રામભદ્રાચાર્યજીના 75મા જન્મોત્સવ નિમિત્તે રામનગરી અયોધ્યામાં અમૃત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અપર્ણા યાદવ ઉપસ્થિત રહ્યાં હતા. તેમણે ગુરુ રામભદ્રાચાર્યજીના આશીર્વાદ લીધા હતા અને ભજન ગાયુ હતું. અપર્ણા યાદવ 2022માં યુપી વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપમાં જોડાઈ હતી. ત્યારથી તેમને ભાજપમાં કોઈ મોટી જવાબદારી આપવાની વાત ચાલી રહી હતી, પરંતુ તેમ થયું નહીં. તાજેતરમાં, જ્યારે તેઓ દિલ્હીમાં બીજેપીના વરિષ્ઠ નેતાઓને મળ્યા હતા, ત્યારે તેમના લોકસભાની ચૂંટણી લડવાની અટકળો ચાલી રહી હતી, પરંતુ હજુ સુધી પાર્ટી તરફથી આ અંગે કોઈ સંકેત મળ્યા નથી.
ઉત્તરપ્રદેશના પૂર્વ સીએમ અને સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવના ભાભી અપર્ણા યાદવ ભાજપમાં જોડાતા યાદવ પરિવારને લઈને ચર્ચાઓ વહેતી થઈ હતી. જો કે, આ પારિવારિક મામલો હોવાનું કંઈ પણ કહેવાનો અખિલેશ યાદવે બોલવાનું ટાળ્યું હતું.