લખનૌઃ આતંકવાદી સંગઠન અલકાયદા સમર્પિત અંસાર ગજવાતુલ હિંદના બે સક્રિય સભ્યોની ધરપકડ બાદ તેમની તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયાં છે. તેમજ તેમને મદદ કરનારા ચાર શખ્સોને પણ ઉત્તરપ્રદેશ પોલીસ અને એટીએસની ટીમે કાનપુર અને લખનૌથી ઝડપી લીધા છે.
સુત્રોના જણાવ્યા અનુસાર પૂછપરછમાં કેટલાક લોકોના નામ ખુલતા એટીએસ અને પોલીસની ટીમે લખનૌ સુધી તપાસ લંબાવી હતી. તેમજ લખૌના વઝીરગંજ વિસ્તારમાંથી શકીલ અને મુસ્તકીમ નામના બે વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી હતી. આવી જ રીતે કાનપુરથી પણ લઈક અને આફાક નામના શખ્સોને પકડી લેવાયાં હતા. ચારેય આરોપીઓએ આતંકવાદીઓને વિસ્ફોટક સામગ્રી પુરી પાડી હોવાનું તપાસમાં ખૂલ્યું હતું. એટીએસની ટીમે લખનૌના કાકોરી વિતારમાંથી છાપો મારીને પોલીસે મસીરુદ્દીન અને મિન્હાઝ નામના બે આતંકવાદીઓને ઝડપી લીધા હતા.
આરોપીઓની ધરપકડ બાદ પોલીસ અને એટીએસની ટીમોએ બંને આતંકવાદીઓના સમર્થકો અને મદદ કરનારાઓને ઝડપી લેવા કવાયત તેજ બનાવી છે. બંને આતંકવાદીઓએ રિમાન્ડ દરમિયાન કેટલાક નામ જાહેર કર્યાં હતા. આતંકવાદીઓના નિશાના ઉપર બે મંદિર અને ભીડભાડવાળા માર્કેટ હતા. શકીલે વિસ્ફોટકનો સોદો કાનપુરમાં કર્યો હતો અને તેના નાણા પોસ્ટ મારફતે મોકલાવ્યાં હતા. આતંકવાદીઓ પાસેથી મળેલી પિસ્ટલ પણ કાનપુરમાંથી ખરીદવામાં આવી હતી. તેમજ મસીરુદ્દીન અને મિન્હાઝે સીમકાર્ડ કાનપુરના રહમાની માર્કેટમાંથી ખરીદ્યું હતું. બંને આતંકવાદીઓ પાકિસ્તાની હેન્ડલર અલ-ઉલના સંપર્કમાં હતા.
પોલીસે કાનપુર ઉપરાંત પશ્ચિમી યુપીના સંભલ સહિત ચાર જિલ્લામાં ધામા નાખ્યાં છે. તેમજ સ્થાનિક પોલીસની મદદથી 12થી વધારે લોકોની પૂછપરછ કરવામાં આવી છે.