લખનૌઃ સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાનની મુશ્કેલીમાં વધારો થયો છે. તાજેતરમાં જ આવકવેરા વિભાગની ટીમે તેમના નિવાસસ્થાન સહિત 30 સ્થળો ઉપર દરોડા પાડ્યા હતા. જેમાં કરોડોની કિંમતની રોકડ અને દાગીના મળી આવ્યા હતા. આઈટીના દરોડાના અંતે કરોડોની કરચોરી ઝડપાવાની શકયતા છે. હવે જીએસટીની ટીમે આઝામ ખાનના સંબંધી હાજી રિઝવાનની ફેક્ટરી ઉપર જીએસટીએ દરોડા પાડ્યા હતા. હાજી રિઝવાન ખાન આઝમ ખાનના મોટા પુત્ર અદીબ આઝમના સસરા છે. તે મુરાદાબાદની જાણીતી નિકાસ પેઢી યુનિવર્સલ આર્ક એક્સપોર્ટ ફર્મના માલિક છે. આ ફેક્ટરી કટઘર કોતવાલી વિસ્તારના રામપુર રોડ પર ભેંસિયા ગામમાં છે. GST વિભાગની ટીમ સ્થાનિક પોલીસ સાથે પહોંચી હતી.
ફેક્ટરીના માલિક રિઝવાન ખાનના જણાવ્યા અનુસાર, જીએસટીની ટીમ રૂટિન ચેકિંગના ભાગરૂપે સ્ટોક ચેક કરવા આવી છે. તેણે કહ્યું કે ટીમ આવતી રહે છે. ઉપરાંત, જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું આવકવેરા વિભાગની ટીમે થોડા દિવસો પહેલા આઝમ ખાન અને તેના નજીકના સહયોગીઓના પરિસરમાં દરોડા પાડ્યા હતા, શું આ મામલો તેનાથી સંબંધિત છે?
તેના પર રિઝવાન ખાને કહ્યું કે અમારે તેની સાથે કોઈ લેવાદેવા નથી. નોંધનીય છે કે આવકવેરા વિભાગે સપા નેતા આઝમ ખાન અને તેની સાથે જોડાયેલા લોકોના ઘર પર ત્રણ દિવસ સુધી દરોડા પાડ્યા બાદ 800 કરોડ રૂપિયાથી વધુની કરચોરીની આશંકા વ્યક્ત કરી હતી. સત્તાવાર સૂત્રોએ શુક્રવારે આ માહિતી આપી. આવકવેરા અધિકારીઓ, સુરક્ષા દળો સાથે બુધવારે સવારે 7 વાગ્યે આઝમ ખાનના જેલ રોડ સ્થિત આવાસમાં પ્રવેશ્યા અને શુક્રવારે સાંજે 7 વાગ્યા સુધી દરોડો ચાલુ રહ્યો હતો.