લખનૌઃ ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌ, આગ્રા, મથુરા અને પ્રયાગરાજમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર આ શહેરોમાં હેલિકોપ્ટર સેવા શરૂ કરશે. હેલિકોપ્ટર સેવાના સંચાલન માટે આ શહેરોમાં હેલીપોર્ટ વિકસાવવામાં આવશે. શાસ્ત્રી ભવનમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં પ્રવાસન વિભાગના આ પ્રસ્તાવોને મંજૂરી આપવામાં આવી હતી.
કેબિનેટની બેઠક બાદ પ્રવાસન મંત્રી જયવીર સિંહે જણાવ્યું કે કેબિનેટે રાજધાની લખનૌમાં રમાબાઈ આંબેડકર સ્થળની સામે પાકું હેલિપેડ અને તેને લગતી અન્ય સુવિધાઓ પ્રવાસન વિકાસના દૃષ્ટિકોણથી પર્યટન વિભાગને સોંપવાનો નિર્ણય લીધો છે. આ હેલીપેડને હેલીપોર્ટ તરીકે વિકસાવવામાં આવશે અને અહીં પ્રવાસીઓ માટે સુવિધાઓ વિકસાવવામાં આવશે. લખનૌમાં હેલિપોર્ટ સુવિધા સ્થાનિક અને વિદેશી પ્રવાસીઓના અનુભવમાં સુધારો કરાશે. પ્રવાસીઓની સંખ્યામાં વધારો થશે. સ્થાનિક સ્તરે વિવિધ પ્રવૃત્તિઓમાં વધારો થશે. તેમજ રોજગારની નવી તકો ઉભી થશે.
પ્રવાસન મંત્રીએ કહ્યું કે કેબિનેટે આગ્રા, મથુરા અને પ્રયાગરાજમાં પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપ (PPP)ના આધારે હેલીપોર્ટ વિકસાવવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. આ શહેરોમાં હેલીપોર્ટ ખાનગી રોકાણકારો દ્વારા PPP મોડલ પર બાંધવામાં આવશે. હેલીપોર્ટના નિર્માણ માટે ત્રણેય શહેરોમાં જમીનની ઓળખ કરવામાં આવી છે. દરેકને રૂ.5 કરોડની રકમ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઉત્તરપ્રદેશમાં યોગી સરકાર દ્વારા વિકાસને પ્રાધનવામાં આપવામાં આવી રહ્યું છે. પ્રવાસન ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે વિવિધ ધાર્મિક અને પ્રવાસન સ્થળોનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. જેની દુનિયાના વિવિધ દેશોએ નોંધ લીધી છે.