દેશમાં ચાલી રહેલા કોરોના રસીકરણ અભિયાનમાં ઉતરપ્રદેશ સૌથી મોખરે,સાડા ચાર કરોડ ડોઝ આપનાર પહેલું રાજ્ય બન્યું
- દેશમાં કોરોના વેક્સિનેશનમાં સૌથી આગળ યુપી
- 4.5 કરોડથી વધુ ડોઝ આપનાર પહેલું રાજ્ય બન્યું
- નવા કેસોમાં જોવા મળી રહ્યો છે સતત ઘટાડો
લખનઉ:કોવિન પોર્ટલના ડેટા મુજબ ઉત્તરપ્રદેશ કોવિડ -19 રસીના 4.5 કરોડથી વધુ ડોઝ આપનાર એકમાત્ર રાજ્ય બન્યું છે. ઉત્તરપ્રદેશમાં ચાર લોકોમાંથી એક વ્યક્તિએ કોવિડ -19 રસીનો ઓછામાં ઓછો એક ડોઝ લીધો છે
સરકારી માહિતી મુજબ, 13.7 કરોડ પાત્ર લાભાર્થીઓના લક્ષ્યાંક સામે 3.8 કરોડથી વધુ લોકોએ રસીનો ઓછામાં ઓછો પ્રથમ ડોઝ લીધો છે, જે 27 ટકા છે. જોકે, સંપૂર્ણ રસીકરણ કેટેગરીમાં સિધ્ધિ આશરે 5.5 ટકા જેટલી રહી છે કારણ કે 74.3 લાખ લોકોને બંને ડોઝ આપવામાં આવ્યા છે.
કોવિન પોર્ટલના ડેટા બતાવે છે કે, યુપીએ રસીના 4.57 કરોડ ડોઝ આપ્યા છે, જે દેશમાં આપવામાં આવેલા કુલ ડોઝના 10 ટકા જેટલો છે. ઉત્તરપ્રદેશ પછી મહારાષ્ટ્ર છે જ્યાં 4.23 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. ગુજરાત, રાજસ્થાન અને કર્ણાટક અનુક્રમે 3.21 કરોડ, 3.08 કરોડ અને 2.94 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.
યુપીના જિલ્લામાં લખનઉમાં 18.77 લાખ ડોઝ સાથે ટોચ પર છે, ત્યારબાદ ગૌતમબુદ્ધનગરમાં 15.26 લાખ ડોઝ આપવામાં આવ્યા છે. ગાઝિયાબાદ (13.97 લાખ), મેરઠ (12.77 લાખ), ગોરખપુર (12.34 લાખ), કાનપુર નગર (11.82 લાખ), પ્રયાગરાજ (11.58 લાખ), વારાણસી (11.56 લાખ), આગરા (11.41 લાખ) અને બરેલી (10.46 લાખ) ટોપ 10 જિલ્લાઓમાં છે.
હાલ, કોરોનાની બીજી લહેર શાંત પડી છે. નવા કેસો ધીમે-ધીમે ઓછા આવી રહ્યા છે.તેમ છતાં કોરોનાની સામે વેક્સિન રામબાણ છે.ત્યારે સરકાર દ્વારા યુદ્ધના ધોરણે વેક્સિન આપવાની કામગીરી ચાલી રહી છે.અને દરરોજ લાખોની સંખ્યામાં લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે.