Site icon Revoi.in

ઉત્તરપ્રદેશઃ માફિયા મુખ્તાર અન્સારીનો શાર્પ શૂટર પંકજ યાદવ એન્કાઉન્ટરમાં ઠાર મરાયો

Social Share

લખનૌઃ મથુરામાં કુખ્યાત માફિયા મુખ્તાર અંસારીના શાર્પ શૂટર પંકજ યાદવને યુપી એસટીએફ દ્વારા એન્કાઉન્ટરમાં ઠાર મારવામાં આવ્યો છે. પંકજ યાદવ ઉપર પોલીસ દ્વારા રૂપિયા એક લાખનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. મથુરાના આખા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ એન્કાઉન્ટર થયું હતું. કહેવામાં આવી રહ્યું છે કે પંકજ યાદવ સાથે અન્ય એક આરોપી હતો જે ભાગી ગયો હોવાનું ચર્ચાય રહ્યું છે. કુખ્યાત ગુનેગાર પંકજ યાદવ વિરુદ્ધ બે ડઝનથી વધુ હત્યા અને અન્ય ગંભીર કેસ નોંધવામાં આવ્યા હતા. પંકજ યાદવ પર પ્રખ્યાત મન્ના સિંહ મર્ડર કેસના સાક્ષી રામ સિંહ અને તેની સુરક્ષા કરી રહેલા કોન્સ્ટેબલ સતીશ કુમારની હત્યા કરવાનો આરોપ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર પંકજ યાદવે મુખ્તાર અંસારી, શાહબુદ્દીન અને મુન્ના બજરંગી ગેંગ માટે શાર્પ શૂટર તરીકે પણ કામ કર્યું હતું. મથુરા પોલીસ અધિકારીઓ પાસેથી મળેલી માહિતી અનુસાર, યુપી એસટીએફના ડેપ્યુટી એસપી ધર્મેશ શાહીની ટીમે બુધવારે સવારે લગભગ 5:20 વાગ્યે ફરાહના રોસુ ગામ પાસે એન્કાઉન્ટર દરમિયાન પંકજ યાદવને ઠાર માર્યો હતો. તેનો સાગરિત ભાગી જવામાં સફળ રહ્યો છે. આ હિસ્ટ્રીશીટર પૂર્વાંચલના ઘણા જિલ્લાઓમાં હત્યાના બે ડઝનથી વધુ કેસ અને અન્ય ગંભીર કેસોમાં વોન્ટેડ હતો. પોલીસે ગુનેગારની લાશનો કબજો મેળવી તપાસ શરૂ કરી છે.