Site icon Revoi.in

ઉત્તરપ્રદેશઃ અલ્હાબાદ હાઈકોર્ટ પરિસરમાં બનેલી મસ્જિદ હટાવાશે

Social Share

નવી દિલ્હીઃ અલ્હાબાદ હાઈકોર્ટ પરિસરમાં બનેલી મસ્જિદને હટાવવાના હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટે યથાવત રાખ્યો છે. કોર્ટે મસ્જિદને હટાવવાનો વિરોધ કરતી અરજીઓને ફગાવી દીધી હતી. મસ્જિદ હટાવવા માટે ત્રણ મહિનાનું અલ્ટીમેટમ પણ આપ્યું હતું. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો નિર્ધારિત સમયની અંદર મસ્જિદને હટાવવામાં નહીં આવે તો હાઇકોર્ટ સહિત સંબંધિત સત્તાવાળાઓને બાંધકામને હટાવવા અથવા તોડી પાડવાનો અધિકાર હશે.

કેસની સુનાવણી દરમિયાન જસ્ટિસ એમ.આર.શાહ અને જસ્ટિસ સીટી રવિકુમારની ખંડપીઠે કહ્યું હતું કે, જે જમીન પર મસ્જિદ બનાવવામાં આવી છે તેની લીઝની મુદત પૂરી થઈ ગઈ છે. આવી સ્થિતિમાં, ત્યાં મસ્જિદની જાળવણી કરવાનો દાવો કરી શકાય નહીં. બેન્ચે અરજદારોને મસ્જિદ માટે નજીકની જમીન ફાળવવા માટે યુપી સરકાર સમક્ષ તેમનો કેસ રજૂ કરવાની મંજૂરી આપી હતી.

2017માં અલ્હાબાદ હાઈકોર્ટે મસ્જિદને પરિસરમાંથી હટાવવાનો નિર્ણય આપ્યો હતો, જેને વકફ મસ્જિદ હાઈકોર્ટ અને યુપી સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. મસ્જિદની મેનેજમેન્ટ કમિટી વતી વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ કોર્ટમાં હાજર થયા હતા. તેમણે કહ્યું કે હાઈકોર્ટની ઈમારત વર્ષ 1861માં બની હતી. 1988ની આસપાસ, જે જમીન પર મસ્જિદ ઉભી હતી. અહીં મુસ્લિમ વકીલો, કારકુનો નમાઝ અદા કરે છે. તેને એવી રીતે દૂર કરવાનું કહી શકાય નહીં.

સિબ્બલે કોર્ટને કહ્યું કે જે જમીન પર મસ્જિદ ઉભી છે તે જમીન 30 વર્ષ માટે લીઝ પર હતી. આ લીઝ 2017માં સમાપ્ત થવાની હતી, પરંતુ વર્ષ 2017માં યુપીમાં સરકાર બદલાયા બાદ બધું બદલાઈ ગયું છે. તે જ સમયે, વરિષ્ઠ વકીલ રાકેશ દ્વિવેદીએ હાઈકોર્ટમાં હાજર થઈને કહ્યું કે આ સંપૂર્ણ છેતરપિંડીનો કેસ છે.