Site icon Revoi.in

ઉત્તરપ્રદેશઃ કુખ્યાત ગુનેગાર પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર મારાયો, અસામાજીક તત્વોમાં ફફડાટ

Social Share

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં પાંચ વર્ષના શાસનમાં યોગી સરકારે ગુનાખોરીને ડામવા માટે અસરકાર કામગીરી કરી હતી. પોલીસની કાર્યવાહીને પગલે અસામાજીક તત્વોમાં ફફડાટ ફેલાયો છે. દરમિયાન યોગી સરકાર 2.0ની કામગીરી પૂર્વે જ પોલીસ એકશનમાં આવી ગઈ છે. દરમિયાન પોલીસે એન્કાઉન્ટરમાં કુખ્યાત ગુનેગાર મનીષ સિંહ સોનૂને ઠાર માર્યો હતો. મનીષસિંહ ઉપર રૂ. બે લાખનું ઈનામ જાહેર કરાયું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર મનીષ સિંહ સોનુને યુપી એસટીએફની ટીમે વારાણણીના લોહતા વિસ્તારમાં એક અથડામણમાં ઠાર માર્યો હતો. એનડી તિવારી હત્યાકાંડ તથા રૂ. 10 લાખની ખંડપીઠ સહિતના ગુનામાં સંડોવણી હોવાનું જાણવા મળે છે. તેની ઉપર જોનપુર, ગાઝીપુર, વારાણસી અને ચંદોલીમાં બે ડઝનથી વધારે ગુના નોંધાયાં હતા. મનીષ સિંહ સોનૂ ઉપર ઉત્તરપ્રદેશમાં પોલીસે ઈનામની રકમ વધારે બે લાખ કરી હતી. કેટલાક મહિનાઓથી આરોપી વોન્ટેડ હતો. 28મી ઓગસ્ટ 2020ના રોજ મનીષ સિંહ સોનુએ ચોકાઘાટ વિસ્તારમાં ધોળાદિવસે હિસ્ટ્રીશીટર અભિષેક સિંહ પ્રિંસ સહિત બે લોકોની હત્યા કરી હતી. મનીષ સામે આઝમગાઢમાં એક વ્યક્તિની હત્યા અને લૂંટના કેસમાં પણ સંડોવાયેલો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, ઉત્તરપ્રદેશમાં યોગી સરકારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે પોલીસને કેટલીક છૂટ આપી હતી. જેથી પોલીસ દ્વારા અસામાજીક તત્વો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત ગુનેગારોએ ગુનાખોરીથી એકત્ર કરેલી મિલકત જપ્ત કરવામાં આવી રહી છે. તેમજ તેમની ગેરકાયદે મિલકતને બુલડોઝરથી તોડી પાડવામાં આવે છે.