લખનઉઃ ઉત્તરપ્રદેશની ભાજપા સરકારના ધારાસભ્યોમાં હાલ અંદરખાને આંતરીક નારાજગી પ્રવર્તી રહી હોવાની ચર્ચાઓ તેજ બની છે. દરમિયાન અખિલેશ યાદવે આવા ધારાસભ્યોને લઈને ચોંકાવનારી ઓફર કરી છે. સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર કહ્યું છે કે, “મોનસૂન એક ઓફર છે – 100 લાવો અને સરકાર બનાવો.” અખિલેશ યાદવની આ ટ્વીટ બાદ ઉત્તરપ્રદેશના રાજકીય આલમમાં ગરમાવો આવ્યો છે અને લોકોમાં તરહે-તરેહની અટકળો વહેતી થઈ છે.
ગુરુવારે ‘X’ પર બનેલી પોસ્ટમાં સપા પ્રમુખે કોઈનું નામ લીધું ન હતું, પરંતુ રાજકીય સૂત્રોનું કહેવું છે કે જો બીજેપીમાં કોઈપણ નેતા 100 ધારાસભ્યોનું સમર્થન એકત્ર કરે છે તો સપા તેને મુખ્યમંત્રી પદ માટે સમર્થન આપી શકે છે. અખિલેશની આ પોસ્ટને નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય સાથે જોડવામાં આવી રહી છે.
કેશવ પ્રસાદ મૌર્યએ પણ બુધવારે ‘X’ દ્વારા સપા પ્રમુખ અખિલેશ યાદવ પર કટાક્ષ કર્યો હતો અને તેમને ‘SP બહાદુર’ કહ્યા હતા. મૌર્યએ એમ પણ કહ્યું હતું કે ઉત્તર પ્રદેશ અને કેન્દ્ર બંનેમાં મજબૂત સરકાર છે અને “2017 ની જેમ, અમે 2027 માં પણ રાજ્યમાં સરકાર બનાવીશું.” કેશવ પ્રસાદ મૌર્યએ સમાજવાદી પાર્ટીની પીડીએ (ઓબીસી, દલિત અને લઘુમતી) ફોર્મુલાને છેતરપિંડી સમાન ગણાવી હતી.
ઉત્તરપ્રદેશમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપામાં જોરદાર ધોવાણ થયું હતું. જેને લઈને રાજકીય ચર્ચાઓ તેજ બની હતી. તેમજ ગઈકાલે ભાજપા પ્રદેશ પ્રમુખે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મીટીંગ કરી હતી. તેમજ લોકસભામાં ભાજપાના ધોવાણ બાબતે ચર્ચા કરી હતી. જેના પગલે ઉત્તરપ્રદેશ ભાજપમાં આંતરીક ખેંચતાણનો માહોલ હોવાની અટકળો તેજ બની છે અને આગામી દિવસોમાં ઉત્તરપ્રદેશ ભાજપમાં નવાજૂના એંધાણની ચર્ચાઓ વહેતી થઈ છે.