લખનૌઃ ઉત્તર પ્રદેશમાં યોગી સરકાર દ્વારા યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. યોગી સરકાર દ્વારા યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા અંગે વિચારણા શરૂ કરવામાં આવી છે. હકીકતમાં, પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા સમાન નાગરિક સંહિતાનો મુદ્દો ખૂબ જ ગરમ હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર યુનિફોર્મ સિવિલ કોડ મુદ્દો ભારતીય જનતા પાર્ટીના મુખ્ય એજન્ડામાં રહ્યો છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ તાજેતરમાં સમાન નાગરિક સંહિતા પર એક સમિતિની રચનાની જાહેરાત કરી હતી, ત્યારે આ મુદ્દો ખૂબ જ ગરમાયો હતો. દરમિયાન ઉત્તરપ્રદેશમાં ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યએ રાજ્યમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવા પર મોટું નિવેદન આપ્યું છે.
ડેપ્યુટી સીએમ કેશવ પ્રયાદ મૌર્યએ કહ્યું છે કે, દરેક જણ સમાન નાગરિક સંહિતાની માંગ કરી રહ્યા છે. તેનું સ્વાગત કરી રહ્યા છીએ. ઉત્તર પ્રદેશ સરકાર પણ આ દિશામાં વિચારી રહી છે. અમે આના સમર્થનમાં છીએ. તે ઉત્તર પ્રદેશ અને દેશના લોકો માટે પણ જરૂરી છે.
ડેપ્યુટી સીએમએ એમ પણ કહ્યું કે યુનિફોર્મ સિવિલ કોડનો મુદ્દો ભારતીય જનતા પાર્ટીના મુખ્ય વચનોમાંનો એક છે. ડેપ્યુટી સીએમના આ નિવેદન પર રાજકારણ ગરમાયુ છે. ઉત્તરાખંડની ભાજપ સરકારે આ દિશામાં કામ શરૂ કરી દીધું છે. આવી સ્થિતિમાં, ડેપ્યુટી સીએમના નિવેદનથી સ્પષ્ટ છે કે યુપીમાં પણ આ દિશામાં કામ શરૂ થઈ રહ્યું છે અથવા થવાનું છે.