લખનૌઃ ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ અને તેમના કાકા શિવપાલસિંહ યાદવ વચ્ચે સંબંધમાં ખટાશ આવી હોવાની કેટલાક દિવસોથી ચર્ચા ચાલી રહી છે. દરમિયાન ઉત્તરપ્રદેશ વિધાનસભાના બજેટ સત્રમાં શિવપાલ યાદવે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના વખાણ કરતા તરેહ-તરેહની અટકળો વહેતી થઈ હતી. તેમણે સીએમ યોગીને ઈમાનદાર અને મહેનતુ કહ્યાં હતા. તેમજ વિપક્ષ ઉપર આકરા પ્રહાર કરતા કહ્યું કે, વિપક્ષે સહયોગ લીધો હોત તો તેઓ સત્તામાં હોત.
શિવપાલ સિંહ યાદવે વિધાનસભામાં રાજ્યપાલના અભિભાષણ પર ચર્ચામાં ભાગ લેતા કહ્યું કે, “ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઈમાનદાર અને મહેનતુ છે, પરંતુ જો તેમણે ગૃહના તમામ સભ્યો અને અન્ય લોકોનો સહકાર લીધો હોત તો. COVID-19 રોગચાળા દરમિયાન, પરિસ્થિતિને વધુ સારી રીતે નિયંત્રિત કરી શકાઈ હોત.” શિવપાલ સિંહ યાદવે મુખ્યમંત્રીના વખાણ કર્યા બાદ ભાજપના સભ્યોએ ટેબલ થપથપાવીને તેમનું અભિવાદન કર્યું હતું.
આ દરમિયાન શિવપાલ સિંહ યાદવે ભાજપ સરકારના સુત્રને લઈને આકરી ટકોર કરતા કહ્યું હતું કે, ‘સબકા સાથ અને સબકા વિકાસ’ એ ભાજપ સરકારનું સૂત્ર છે પરંતુ સરકારે બધાનો સહકાર લીધો નથી. તેમણે કહ્યું, “મુખ્યમંત્રી સંત અને યોગી છે. યોગનો અર્થ દરેકને એક કરવાનો છે.” પ્રગતિશીલ સમાજવાદી પાર્ટીના વડાએ કહ્યું કે મુખ્યમંત્રી વિપક્ષનો સહકાર લઈને જ ઉત્તર પ્રદેશને નવી ઊંચાઈએ લઈ જઈ શકે છે. ભત્રીજા અખિલેશ યાદવથી નારાજ ચાલી રહેલા શિવપાલ યાદવે સીએમ યોગીના વખાણ કરતા તરેહ-તરેહની અટકળો વહેતી થઈ છે.