Site icon Revoi.in

ઉત્તરપ્રદેશઃ હાથરસમાં ધાર્મિક કાર્યક્રમ દરમિયાન નાસભાગ, 50ના મોતની આશંકા

Social Share

લખનૌઃ ઉત્તરપ્રદેશના હાથરસમાં એક ધાર્મિક કાર્યક્રમ દરમિયાન નાસભાગ મચી જતા મહિલાઓ અને બાળકો સહિત 50 વ્યક્તિના મોત થયાનું આશંકા વ્યક્ત થઈ રહી છે. સમગ્ર ઘટનાને પગલે વહીવટી તંત્ર દોડતું થઈ ગયું છે, તેમજ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયાં હતા. આ દૂર્ઘટનાને પગલે રાજકીય આગેવાનો અને ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર દોડી ગયા હતા. સમગ્ર ઘટનાને અંગે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ દુખ વ્યક્ત કર્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લાના સિકંદરરાઉ શહેરના ફુલરાઈ ગામમાં મંગળવારે એક મોટી દુર્ઘટના ઘટી હતી. અહીં ભોલે બાબાનો સત્સંગ ચાલતો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે સત્સંગ સમાપ્ત થયા પછી, જેમ જ ભીડ અહીંથી જવા લાગી, ત્યાં નાસભાગ મચી ગઈ હતી. આ નાસભાગમાં મહિલાઓ અને બાળકો ખરાબ રીતે કચડાઈ ગયા હતા. આ દૂર્ઘટનાથી બનાવ સ્થળ પર ચીસોથી વાતાવરણ ગમગીન થઈ ગયું હતું. આ દૂર્ઘટનામાં 50થી વધારે વ્યક્તિઓના મોતની આશંકા સેવાઈ રહી છે. હજુ મૃત્યુઆંક વધે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. આ બનાવને પગલે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિતના મહાનુભાવોએ દુખ વ્યક્ત કર્યું હતું.

એટાહના એસએસપી રાજેશ કુમાર સિંહના જણાવ્યા અનુસાર, હાથરસ જિલ્લાના સિકંદરરાઉ શહેરમાં એક ધાર્મિક કાર્યક્રમ ચાલી રહ્યો હતો ત્યારે નાસભાગ મચી ગઈ હતી. ઇટાહ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 27 મૃતદેહો આવ્યા હતા, જેમાં 23 મહિલાઓ, ત્રણ બાળકો અને એક પુરુષનો સમાવેશ થાય છે. ઘાયલો હજુ સુધી હોસ્પિટલ પહોંચ્યા નથી.

દૂર્ઘટનાને પોતાની આંખોથી જોનાર યુવતીએ જણાવ્યું કે સત્સંગમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. સત્સંગ પૂરો થયા પછી લોકો ત્યાંથી જવા લાગ્યા હતા. દરમિયાન બહાર નીકળવાની ઉતાવળમાં નાસભાગ મચી ગઈ હતી. લોકો એકબીજા સામે જોતા પણ ન હતા. સ્ત્રીઓ અને બાળકો પડતાં રહ્યાં અને ટોળું તેમના પર દોડી રહ્યું હતું. બચાવવા માટે કોઈ ન હતું. ચારેબાજુ બૂમો પડી રહી હતી.

હાથરસમાં ભોલે બાબાના સત્સંગ દરમિયાન નાસભાગમાં અનેક લોકો ઘાયલ થયા છે. દરેકને ઇટાહ મેડિકલ કોલેજમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. એટાના ચીફ મેડિકલ ઓફિસર ઉમેશ ત્રિપાઠી, એરિયા ઓફિસર સિટી વિક્રાંત દ્વિવેદી, કોતવાલી નગર અરુણ પવાર અને તમામ પોલીસ પ્રશાસનના અધિકારીઓ મેડિકલ કોલેજમાં હાજર છે.