લખનૌઃ ઉત્તરપ્રદેશમાં વિપક્ષના વિરોધ વચ્ચે સીએમ યોગી આદિત્યનાથના નિર્દેશ અનુસાર તંત્ર દ્વારા મદરેસાઓનો સર્વે કરવામાં આવ્યો છે. તાજેતરમાં પૂર્ણ થયેલા સર્વેનો રિપોર્ટ 10મી ઓક્ટોબરે જિલ્લા અધિકારીઓને તથા 25મી ઓક્ટોબરે યુપી સરકારને સોંપવામાં આવશે.
સરકાર દ્વારા માંગવામાં આવેલા 11-પોઇન્ટના સર્વે રિપોર્ટમાં મદરેસાઓના શિક્ષણ અભ્યાસક્રમ, વિદ્યાર્થીઓની સંખ્યા, તેમની વર્તમાન સ્થિતિ અને આવકની વિગતો શામેલ છે. જયારે બીજી તરફ મુસ્લિમ ધર્મગુરુઓએ રિપોર્ટમાં પારદર્શિતાની માંગ કરી છે.
તાજેતરમાં જ વિપક્ષી પાર્ટીઓ અને મુસ્લિમ ધાર્મિક નેતાઓએ ઉત્તર પ્રદેશની મદરેસાઓને લઈને સવાલો ઉઠાવ્યા હતા. જે બાદ યુપીની યોગી સરકારે મદરેસાઓના કલ્યાણની વાત કરીને સર્વે શરૂ કર્યો. જેનો રિપોર્ટ ટૂંક સમયમાં સરકાર સમક્ષ મૂકવામાં આવશે.
હાલમાં રાજ્યના મદરેસાઓ અંગે સરકારે દાવો કર્યો છે કે સર્વેમાં અમાન્ય મદરેસાઓની માહિતી મળતા જ તેની સ્થિતિ પર વિચાર કરવામાં આવશે અને તેને યોજનાઓ સાથે જોડવામાં આવશે.
મદરેસામાં વિદ્યાર્થીઓના શિક્ષણ પર પણ સતત ધ્યાન આપવામાં આવે છે. યુપી સરકારે તાજેતરમાં મદરેસાઓના ટાઈમ ટેબલમાં ફેરફાર કર્યો હતો. જે અંતર્ગત મદરેસામાં છ કલાક અભ્યાસ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
મુસ્લિમ ધર્મગુરુઓએ પણ સરકારના આ નિર્ણયની પ્રશંસા કરી હતી. મદરેસાઓના ટાઈમ ટેબલમાં એક કલાકનો વધારો થવાથી વિદ્યાર્થીઓના અભ્યાસ પર વધુ ધ્યાન આપવામાં આવશે, આને ધ્યાનમાં રાખીને સરકારે ફેરફારો કર્યા છે.