ઉત્તરપ્રદેશઃ કુખ્યાત અતિક અહેમદ અને મુખ્તાર અંસારીની સંપત્તિ જપ્ત કરાશે
- ઈડીએ શરૂ કરી કવાયત
- મિલકત અંગે માહિતી એકત્ર કરવાની કામગીરી શરૂ
- અતિકના દીકરાને પૂછપરછ માટે બોલાવાયો હતો
લખનૌઃ ઉત્તરપ્રદેશના કુખ્યાત ગુનેગાર અતિક અહેમદ અને મુખ્તાર અંસારીની કરોડોની સંપતિ જપ્ત કરવાની દિશામાં ઈડીએ કવાયત શરૂ કરી છે. આ માટે તપાસ એજન્સી દ્વારા તેમની મિલકતની માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. અતિક અહેમદ હાલ અમદાવાદની સાબરમતી જેલમાં બંધ છે. તપાસનીસ એજન્સીએ બંનેની કલાકો સુધી પૂછપરછ કરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર ઉત્તરપ્રદેશ સહિત દેશના અન્ય રાજ્યોમાં અતીક અહમદની સંપતિઓની જાણકારી એકત્ર કરવામાં આવી રહી છે. અતીકની કંપનીઓની તપાસ કરવામાં આવી રહી છે. ઈડી જેલમાં બંધ બંને માફિયાઓ અતિક અહેમદ અને મુખ્તાર અંસારીની પૂછપરછ કરી ચુકી છે. અતીકના દીકરા ઉમરને પણ ઈડીએ બોલાવ્યો હતો. પરંતુ તે હાજર નહીં થતા તેની સામે કોર્ટમાં અરજી કરવામાં આવી છે. બીજી તરફ અન્ય કેસમાં સીઆઈડી પણ ઉમરને શોધી રહી છે. અમદાવાદની સાબરમતી જેલમાં બંધ અતીક અહેમદની તા. 27મી અને 28મી ઓક્ટોબરના રોજ કલાકો સુધી પૂછપરછ કરવામાં આવી હતી. બીજી તરફ રવિવારે જેલના સળિયા પાછળ બંધ મુખ્તાર અંસારીની પણ પૂછપરછ કરવામાં આવી હતી. અતિક અહેમદની પૂછપરછ દરમિયાન તેની પત્ની અને દીકરાના 12 બેંક એકાઉન્ટ અંગે તથા તેમાં થયેલા ટ્રાન્ઝેક્શન અંગે પૂછપરછ કરાઈ હતી. એટલું જ નહીં તેમના સીએ અને અન્ય સાથીઓની પણ પૂછપરછ કરવામાં આવી હતી. આ ઉપરાંત અતીકના દીકરા ઉમરને પૂછપરછ માટે બોલાવ્યો હતો. જો કે, તે ઈડી સમક્ષ હાજર થયો ન હતો.