લખનૌઃ ઉત્તરપ્રદેશમાં ઉમેશ પાલ અપહરણ કેસમાં પ્રયાગરાજની એમપી-એમએલએ કોર્ટે કુખ્યાત ગુનેગાર અતિક અહેમદ સહિત 3 આરોપીઓને કસુરવાર ઠરાવ્યાં હતા. તેમજ તેમને આજીવન કેદની સજાનો આદેશ કર્યો હતો. આ ઉપરાંત કોર્ટે તેમને દંડ પણ ફટકાર્યો હતો. જો આરોપીઓ દંડ નહીં ભરે તો વધારે સજાનો આદેશ કર્યો હતો. કોર્ટે સજાનો આદેશ કરતા અતિક અહેમદની આંખોમાં આસુ આવી ગયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. બીજી તરફ ઉમેશ પાલના પરિવારજનોએ કોર્ટના ચુકાદાને આવકાર્યો હતો. તેમજ ઉમેશપાલ હત્યા કેસમાં અતિક અહેમદને મોતની સજા મળે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર ઉમેશ પાલ અપહરણ કેસમાં સંડોવાયેલા કુખ્યાત અતિક અહેમદ અને અશરફ અહેમદ સહિતના આરોપીઓને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રજુ કરવામાં આવ્યાં હતા. કોર્ટે સુનાવણીના અંતે અતિક અહેમદને કસુરવાર ઠરાવ્યો હતો. તેમજ અશરફ અહેમદ સહિત સાત આરોપીઓને શંકાનો લાભ આપીને નિર્દોશ છોડી મુકવામાં આવ્યાં હતા.
એડીજી કાયદો અને વ્યવસ્થા પ્રશાંત કુમારે કહ્યું કે આજે રાજ્યના મુખ્ય માફિયા અતીક અહેમદને પહેલીવાર કોઈ પણ કેસમાં સજા સંભળાવવામાં આવી છે. ઉમેશ પાલની અપહરણ કેસમાં આજે કોર્ટે ત્રણ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે. આજીવન કેદની સાથે ત્રણેય આરોપીઓને એક-એક લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આરોપીઓમાં અતીક અહેમદ, ખાન શૌકત હનીફ અને દિનેશ પાસીનો સમાવેશ થાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અતિક અહેમદની સામે 100થી વધારે ગંભીર કેસ નોંધાયેલા હતા. તાજેતરમાં ઉમેશપાલની હત્યા થઈ હતી. આ કેસમાં અતિક અહેમદ અને તેના ભાઈ અશરફ અહેમદની સંડોવણી ખુલી છે. આ કેસમાં પોલીસ દ્વારા બંનેની સામે કાર્યવાહી કરવામાં આવશે.
(PHOTO-FILE)