ઉત્તર પ્રદેશ પોલીસે હાથરસમાં સત્સંગમાં થયેલી નાસભાગના મુખ્ય આરોપી દેવ પ્રકાશ મધુકરની ધરપકડ કરી છે. નાસભાગમાં 121 લોકોએ જીવ ગુમાવ્યા, જેમાં મોટાભાગની મહિલાઓ હતી. પોલીસે FIRમાં મુખ્ય સેવાદાર મધુકરને મુખ્ય આરોપી બનાવ્યા છે. અગાઉ મધુકર વિશે માહિતી આપનારને 1 લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં 2.50 લાખથી વધુ લોકોએ હાજરી આપી હતી
પોલીસે નાસભાગના સંબંધમાં છ લોકોની ધરપકડ કર્યાના એક દિવસ બાદ દેવ પ્રકાશ મધુકરની ધરપકડ કરવામાં આવી છે. આ તમામ છ લોકો સત્સંગ આયોજન સમિતિના સભ્યો હતા. 2 જુલાઈના રોજ સ્વયંભૂ સંત અને ઉપદેશક નારાયણ સાકર હરિ ઉર્ફે ‘ભોલે બાબા’ ના સત્સંગ દરમિયાન નાસભાગ મચી ગઈ હતી. એફઆઈઆર અનુસાર, આ કાર્યક્રમમાં 2.50 લાખથી વધુ લોકોએ હાજરી આપી હતી, જ્યારે સત્સંગના આયોજકોને માત્ર પ્રશાસને માત્ર 80 હજાર લોકોને જ મંજૂરી આપી હતી.
શ્રદ્ધાળુઓ ઉપદેશકના પગમાંથી માટી લેવા દોડ્યા
એફઆઈઆર મુજબ, સત્સંગના આયોજકોએ બાબાના અનુયાયીઓનાં ચપ્પલ અને અન્ય વસ્તુઓ નજીકના ખેતરોમાં ફેંકીને કાર્યક્રમમાં હાજર લોકોની વાસ્તવિક સંખ્યા છુપાવવાનો પ્રયાસ કર્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઘણા શ્રદ્ધાળુઓ ઉપદેશકના પગમાંથી માટી લેવા દોડ્યા, ત્યારે નાસભાગ મચી ગઈ હતી. તેમનું માનવું હતું કે આનાથી તેમની બધી બીમારીઓ દૂર થઈ શકે છે.