Site icon Revoi.in

ઉત્તરપ્રદેશઃ જમીન વિવાદમાં ધાણીફુટ ગોળીબાર, બે વ્યક્તિઓના મોત

Social Share

લખનૌઃ ઉત્તરપ્રદેશના દેવરિયામાં જમીન તકરારમાં બે સગા ભાઈઓની ગોળીમારીને હત્યા કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. ગોળીબારની આ ઘટનામાં 6 વ્યક્તિઓને ઈજા થઈ હતી. આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હબતો. તેમજ તપાસ આરંભીને લગભગ 8 લોકોની અટકાયત કરી હતી. ગામમાં તંગદિલીને પગલે પોલીસ દ્વારા બંદોબસ્તમાં વધારો કરવામાં આવ્યો છે. આ બનાવ બરહજના ચકરા નોનાર ગામમાં બન્યો છે. સવારે બે પક્ષો વચ્ચે મારામારી થઈ હતી. આ દરમિયાન અચાનક અંધાધૂંધ ગોળીબાર થયો હતો. રમેશ યાદવ નામની વ્યક્તિ ઘરની પાસે સાફ-સફાઈ કરી રહી હતી ત્યારે સામે પક્ષના હંસનાથ યાદવ આવ્યાં હતા અને તેમને તેનો વિરોધ કર્યો હતો. આમ બંને પક્ષે વિવાદ ઉભો થયો હતો અને મારામારી થઈ હતી.

દરમિયાન બંને જૂથના લોકો સામ-સામે આવી ગયા હતા. આ દરમિયાન હંસનાથ યાદવ અને વૈજનાથ યાદવ પક્ષના લોકોએ પરવાનાવાળી બંદુકમાંથી અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. જેમાં કોકિલ અને રમેશનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે કેટલાક વ્યક્તિઓને ઈજા થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયાં હતા. ચાર વ્યક્તિઓની હાલત ગંભીર જણાતા તેમને વધુ સારવાર અર્થે ગોરખપુર મોકલવામાં આવ્યાં હતા.મૃતકોના પરિવારજનોએ કહ્યું હતું કે, તેમના ઘરે બ્રહ્મભોજનનું આયોજન કરવામાં આવ્યું હોવાથી સાફ-સફાઈ કરવામાં આવી રહી હતી. આ દરમિયાન બીજા પક્ષે જમીન ઉપર કબ્જા કરવાનો આક્ષેપ કરીને તકરાર શરૂ કરી હતી. એસપી શ્રીપતિ મિશ્રાએ જણાવ્યું હતું કે, બે પરિવાર વચ્ચે સામાન્ય મુદ્દે તકરાર થઈ હતી. બંને પરિવાર વચ્ચે જમીન વિવાદ ચાલતો હતો. આ ઘટનામાં બે વ્યક્તિઓના મોત થયાં છે. આ બનાવની તપાસ કરવામાં આવી રહી છે અને આરોપીઓ સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે.