દિલ્હીઃ ઉત્તરપ્રદેશના પીલીભીતીના ભાજપના સાંસદ વરૂણ ગાંધીએ તાજેતરમાં પૂરની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરીને યોગી સરકારને ટકોર કરી હતી. હવે ઉત્તરપ્રદેશમાં ખેડૂતોના પાકની ખરીદીને લઈને અધિકારીઓને આકરી ટકોર કરી હતી. તેમજ ખરીદ કેન્દ્રો ઉપર પોતાના જ પ્રતિનિધિઓ મોનીટરીંગ કરી રહ્યાંનું એક ઉચ્ચ અધિકારીને કહીને ક્યાંય પણ ભ્રષ્ટાચાર થયો તો પુરાવા સાથે કોર્ટમાં જવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર ડાંગરની સરકારી ખરીદીમાં ખેડૂતોની ફરિયાદ બાદ પીલીભીતના સાંસદ વરુણ ગાંધીએ મંડી સમિતિ પરિસરમાં દોગી ગયા હતા. જ્યાં તેમણે ખેડૂતોની સામે ડેપ્યુટી આરએમઓને કહ્યું કે મુખ્ય ખરીદ કેન્દ્રો પર તેમના પ્રતિનિધિ મોનિટરિંગ કરશે. જે બધું રેકોર્ડ કરશે. પુરાવા એકત્રિત કરશે. વરુણ ગાંધીએ તો ત્યાં સુધી કહ્યું કે જો ખબર પડશે કે ભ્રષ્ટાચાર થયો છે કે ખેડૂતો સાથે ક્રૂરતા થઈ રહી છે તો હું સીધા પુરાવા સાથે કોર્ટમાં જઈશ અને તમને બધાની ધરપકડ કરાવીશ.
તેમણે અધિકારીઓને તાકીદ કરી હતી કે, મેં કુલ પાંચ કાંટાનું નિરીક્ષણ કર્યું જેમાંથી ત્રણ માત્ર કાગળ પર છે, ખેડૂતોના કારણે જ આ દેશ ચાલે છે. તેઓ હજુ પણ ગરીબીની હાલતમાં છે. ખોટા કારણો આપીને તેમના પાક ખરીદવાની ના પાડવામાં આવી રહી છે.