ઉત્તરપ્રદેશઃ બેંક ખાતામાં રૂ.2700 કરોડની માતબર રકમ જમા હોવાનું જાણી શ્રમજીવી સ્તબ્ધ
લખનૌઃ ઉત્તરપ્રદેશમાં પોતાના બેંક ખાતામાં એક-બે નહીં પરંતુ 2700 કરોડની માતબર રકમ જમા થયાનું જાણીને શ્રમજીવી સ્તબ્ધ થઈ ગયો હતો. જેથી તેણે આ અંગે બેંકના અધિકારીઓને જાણ કરી હતી. ટેકનિકલ ખામીના કારણોસર શ્રમજીવીના ખાતામાં આટલી મોટી રકમ જમા થયાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું. શ્રમજીવીના બેંક એકાઉન્ટમાં 126 રૂપિયા જ બેલેન્સ હતું. બેંક દ્વારા તપાસ માટે શ્રમજીવીનું એકાઉન્ટ સીલ કરવામાં આવ્યું છે.
સુત્રોના જણાવ્યા અનુસાર ઉત્તરપ્રદેશમાં 45 વર્ષિય શ્રમજીવી બિહારી લાલ ઈંટના ભઠ્ઠામાં કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. દરમિયાન પૈસાની જરૂર ઉભી થતા શ્રમજીવી બેંક ઓફ ઈન્ડિયાના પોતાના જન ધન ખાતામાંથી રૂ. 100 ઉપાડવા ગયો હતો.
દરમિયાન પોતાના એકાઉન્ટમાં 2700 કરોડ જમા હોવાનું જાણીને શ્રમજીવી ચોંકી ઉઠ્યો હતો. બેંકના ખાતામાં કરોડોની રકમ જમા હોવાની જાણ થતા તેણે અધિકારી પાસે ત્રણ-ત્રણ વાર તપાસ કરાવી હતી.
આ અંગે શ્રમજીવીએ જણાવ્યું હતું કે, બેંકમાં મારુ એકાઉન્ટ ચેક કરતો હતો ત્યારે મારા ખાતામાં કરોડોની રકમ જવા હોવાની જાણ થતા મને વિશ્વાસ થયો ન હતો. જેથી બેંકનું સ્ટેટમેન્ટ નીકાળ્યું હતું. જે બાદ ગયો ત્યારે મને જાણ કરવામાં આવી કે, બેંકના ખાતામાં 126 રૂપિયા જમા છે. અગાઉની રકમ સિસ્ટમની ખામીને કારણે જમા થઈ હતી.
બેંકના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, અગમચેતીના ભાગ રૂપે હાલ શ્રમજીવી બિહારી લાલનું એકાઉન્ટ સીલ કરવામાં આવ્યું છે. બેંકના એક અધિકારીએ જણાવ્યું હતું કે, બેંકના રેકોર્ડમાં તેમા નામની સામે કરોડોની રકમ જવા જોવા મળી હતી.