લખનૌઃ ઉત્તરપ્રદેશમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેને લઈને ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. દરમિયાન યોગી સરકારે નકલી માર્કશીટ કેસમાં દોષિત અયોધ્યાની ગોસાઈગંજ બેઠકના ભાજપના ધારાસભ્ય ઈન્દ્ર પ્રતાપ તિવારી ઉર્ફે ખબ્બુ તિવારીની વિધાનસભા સદસ્યતા રદ કરવાનો નિર્ણય લીધો છે. એટલું જ નહીં આ અંગે વિધાનસભા સચિવાલયે એક જાહેરનામું બહાર પાડ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર ઈન્દ્ર પ્રતાપ તિવારીને કોર્ટે નકલી માર્કશીટ કેસમાં દોષિત જાહેર કરીને ગત 18મી ઓક્ટોબરના રોજ કોર્ટે પાંચ વર્ષની સજા ફરમાવી હતી. તિવારીએ 29 વર્ષ પહેલા સાકેત કોલેજમાં માર્કશીટ અને બેક પેપરમાં કોડેડ ડોક્યુમેન્ટ્સની મદદથી છેતરપિંડી અને હેરાફેરી કરી હતી. તિવારીની સાથે સપા નેતા ફૂલચંદ યાદવ અને કૃપા નિધાન તિવારીને પણ નકલી માર્કશીટ કેસમાં કોર્ટે દોષિત ઠેરવ્યા હતા અને તેમને 5 વર્ષની જેલની સજા અને રૂ. 13-13 હજારનો દંડ ફટકાર્યો હતો. કોર્ટ દ્વારા સજાની જાહેરાત થતાં જ ખબ્બુ તિવારીનું ધારાસભ્ય પદ ઉપર જોખમ ઉભું થયું હતું. કાયદા અનુસાર, બે વર્ષથી વધુની સજા માટે દોષિત ઠેરવવાની તારીખથી સભ્યપદ સમાપ્ત કરવાની જોગવાઈ છે. સાકેત કોલેજના તત્કાલિન પ્રિન્સિપાલ યદુવંશ રામ ત્રિપાઠીએ નકલી માર્કશીટના આધારે એડમિશન લેવા બદલ ત્રણ લોકો સામે કેસ દાખલ કર્યો હતો. આરોપી ફૂલચંદ યાદવે 1986માં B.Sc પ્રથમ વર્ષની પરીક્ષા અને બેક પેપરની પરીક્ષામાં નાપાસ થયા બાદ પણ B.Sc બીજા વર્ષમાં પ્રવેશ લીધો હતો.