ઉત્તરાખંડઃ એક પ્રોજેક્ટમાં વીજ કરંટ લાગતા 15ના મોતની આશંકા, અનેક લોકો ઈજાગ્રસ્ત થયાં
નવી દિલ્હીઃ ઉત્તરાખંડના ચમોલીમાં મોટી દૂર્ઘટના સર્જાઈ છે. વીજ કરંટ લાગવાથી 15 લોકોના મોત થયાનું જાણવા મળે છે. આ ઉપરાંત અકસ્માતમાં ઘણા લોકો ઘાયલ પણ થયા હતા. ચમોલીમાં અલકનંદા નદીના કિનારે નમામી ગંગે પ્રોજેક્ટ ચાલી રહ્યો હતો ત્યાં એક ટ્રાન્સફોર્મર ફાટવાને કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાનું જાણવા મળે છે. આ અકસ્માતમાં મૃત્યુઆંક પણ વધી શકે છે.
ઉત્તરાખંડના એડિશનલ ડીજીપી વી મુરુગને જણાવ્યું કે આ અકસ્માતમાં એક પોલીસ સબ ઈન્સ્પેક્ટર અને પાંચ હોમગાર્ડ જવાનો સહિત લગભગ 15 લોકોના મોત થયા છે. આ ઘટનાની તપાસ હજુ ચાલુ છે. પ્રાથમિક તપાસ બાદ પ્રાથમિક દ્રષ્ટિએ એવું સામે આવ્યું છે કે, રેલિંગમાં ઈલેક્ટ્રીક કરંટ વાગ્યો હતો જેના કારણે આ અકસ્માત થયો હતો. તપાસમાં અકસ્માત અંગે વધુ વિગતો બહાર આવી શકે છે. ચમોલીના એસપીએ અકસ્માતની પુષ્ટિ કરી છે અને લોકોના મોતની પણ પુષ્ટિ કરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઘણા ઘાયલોની હાલત પણ નાજુક છે.
ડીજીપી અશોક કુમારે કહ્યું કે પીપલીકોટના ચોકીના ઈન્ચાર્જ પણ મૃત્યુ પામેલા લોકોમાં સામેલ હતા. અધિકારીઓએ જણાવ્યું કે પ્રોજેક્ટ સાઈટના કેરટેકરનું પણ વીજ કરંટથી મોત થયું હતું. જ્યારે સ્થાનિક લોકો અને મૃતક કેરટેકરના સંબંધીઓએ તેની લાશ જોઈ ત્યારે પોલીસને જાણ કરવામાં આવી હતી. જે બાદ પોલીસ ત્યાં પહોંચી હતી. પરંતુ અહીં આવ્યા બાદ પોલીસ સહિત અનેક લોકો પણ વીજ કરંટ લાગ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે અલકનંદા નદી પર બનેલી રેલિંગમાં કરંટ લાગ્યો હતો.