ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણીઃ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ
નવી દિલ્હીઃ ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણીમાં આજે સવારથી જ મતદાન ચાલી રહ્યું છે. સવારથી જ મતદાન કેન્દ્રો ઉપર મતદારોની લાંબી લાઈનો જોવા મળી હતી. સવારથી 11679 કેન્દ્રો ઉપર મતદાન થયું હતું. વિધાનસભાની 70 બેઠકો ઉપર યોજાયેલી ચૂંટણીમાં મતદાન પૂર્ણ થયું ત્યારે એકંદગે સરેરાશ 60થી 65 ટકા જેટલુ મતદાન થયું હોવાનું જાણવા મળે છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી, પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવત, સતપાલ મહારાજ, સુબોધ ઉનિયાલ, અરવિંદ પાંડે, ધનસિંહ રાવત સહિતના નેતાઓના ભાવી સાંજે ઈવીએમમાં સીલ થયાં હતા. બપોરના એક કલાક સુધી ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણીમાં 35.21 જેટલુ મતદાન થયું હોવાનું જાણવા મળે છે. જ્યારે બપોરના 3 કલાક સુધીમાં લગભગ 49 ટકા જેટલુ મતદાન થયું હતું.
મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ આચાર સંહિતાનું ઉલ્લધન કર્યાના આક્ષેપ કરવામાં આવી રહ્યાં છે. પોતાનો વોટ નહીં હોવા છતા તેઓ મતદાન કેન્દ્રમાં ગયા હોવાનો વિપક્ષે આક્ષેપ કર્યો હતો. ઉત્તરાખંડમાં સવારે મતદાન શરૂ થતાની સાથે કેટલાક સ્થળો ઉપર ઈવીએમમાં ખરાબાની ફરિયાદો ઉઠી હતી. જેથી તાત્કાલિક ઈવીએમ બદલીને મતદાન શરૂ કરવામાં આવ્યું હતું. બીજી તરફ મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો. બપોર સુધી મતદાન ધીમું હોવાથી રાજકીય પક્ષોની ચિંતામાં વધારો થયો હતો. તેમજ મતદાનમાં વધારો થાય અને મતદારો મતદાન કેન્દ્રો ઉપર પહોંચે તેવા પ્રયાસો કરવામાં આવ્યાં હતા. ઉત્તરાખંડ વિધાનસભાની ચૂંટણીમાં 600થી વધારે ઉમેદવારોએ ઝંપલાવ્યું હતું. તેમના ભાવીનો ફેંસલો 10મી માર્ચના રોજ થશે.