Site icon Revoi.in

ઉત્તરાખંડ પેટાચૂંટણીઃ ચંપાવત બેઠક ઉપરથી સીએમ પુષ્કરસિંહ ધામીએ ઉમેદવારી નોંધાવી

Social Share

નવી દિલ્હીઃ ઉત્તરાખંડમાં ચંપાવત વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. બીજેપીએ અહીંથી સીએમ પુષ્કર સિંહ ધામીને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. સીએમ ધામીએ સોમવારે ચંપાવત પેટાચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી હતી. આ બેઠક ભાજપના ધારાસભ્ય કૈલાશ ગહતોરીના રાજીનામા બાદ ખાલી પડી હતી.

ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામીએ સોમવારે ચંપાવત પેટાચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી હતી. આ પહેલા પણ ભાજપના દિગ્ગજ નેતાઓ ચંપાવતમાં ધામા નાખ્યા છે. પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ મદન કૌશિક રવિવારે જ ચંપાવત પહોંચી ગયા છે. આ સાથે મુખ્યમંત્રીના નામાંકન સમયે પાર્ટીના પદાધિકારીઓ ઉપરાંત રાજ્ય સરકારના મંત્રીઓ પણ હાજર રહ્યા હતા. સીએમ ધામીના નામાંકન દરમિયાન, પાર્ટીના રાજ્ય પ્રભારી દુષ્યંત ગૌતમ, સહ-પ્રભારી રેખા વર્મા અને પાર્ટીના રાજ્ય સંગઠન મહાસચિવ અજય કુમાર પણ હાજર હતા.

ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણીમાં ભાજપને મોટી જીત મળી છે. આ ચૂંટણીમાં ભાજપે 70 વિધાનસભા બેઠકોમાંથી 47 બેઠકો જીતી હતી. પરંતુ પુષ્કર સિંહ ધામી કે જેઓ પાર્ટીના સીએમ ફેસ હતા તેઓ તેમની સીટ પરથી ચૂંટણી હારી ગયા હતા. તે પછી પણ પાર્ટીએ તેમનામાં વિશ્વાસ મૂક્યો અને તેમને ફરીથી રાજ્યના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા. જે બાદ બીજેપી ધારાસભ્ય કૈલાશ ગહાતોડીએ સીએમ ધામી માટે આ સીટ ખાલી કરી દીધી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં ઉત્તરપ્રદેશ, પંજાબ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ચાર રાજ્યોમાં ભાજપનો વિજય થયો હતો. જ્યારે પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ સરકાર બનાવી છે. જ્યારે ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ સહિત ચાર રાજ્યોમાં ભાજપે સરકાર બનાવી છે.