Site icon Revoi.in

ઉત્તરાખંડઃ નકલી દવા બનાવવાની ફેકટરીનો પર્દાફાશ, દસની ધરપકડ

Social Share

નવી દિલ્હીઃ ઉત્તરાખંડમાં પોલીસ અને ડ્રગ વિભાગે દરોડા પાડીને લગભગ દોઢ મહિનાથી ચાલતી નકલી દવાની ફેક્ટરીનો પર્દાફાશ કર્યો હતો. ફેક્ટરી જાણીતી કંપનીઓના નામે નકલી દવાઓનું ઉત્પાદન કરતી હોવાનો દાવો કરવામાં આવી રહી છે. પોલીસે ફેક્ટરીમાં નકલી દવાઓ બનાવતા દસ આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી લગભગ બે કરોડ રૂપિયાની દવાઓ અને લગભગ 50 લાખ રૂપિયાની કિંમતના મશીનો મળી આવ્યા છે.

ઉચ્ચ પોલીસ અધિકારી બરિન્દરજીત સિંહે કહ્યું હતું કે, પોલીસને મુરાદાબાદ રોડ પર એક ઘરમાં ગેરકાયદેસર દારૂ બનાવવાની માહિતી મળી હતી. જ્યારે પોલીસ ટીમે દરોડો પાડ્યો ત્યારે ત્યાંથી દવાઓનો જંગી જથ્થો મળી આવ્યો હતો. આ દરમિયાન દવા બનાવતા દસ લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. સ્થળ પર હાજર ડ્રગ ઈન્સ્પેક્ટર સુધીર કુમારે દવાઓના સેમ્પલ લઈને તપાસ માટે મોકલી આપ્યા હતા.

પ્રાથમિક દ્રષ્ટિએ દવાઓ નકલી હોવાનું જણાય છે. ડ્રગ ઈન્સ્પેક્ટર સુધીર કુમારે જણાવ્યું કે આરોપી પાસે દવા બનાવવાનું કોઈ લાયસન્સ નથી. એસએસપી બરિન્દર જીત સિંહે જણાવ્યું કે મુખ્ય આરોપી વિપિન કુમાર લક્ષ્મી ચંદની નકલી દવાઓ બનાવવાના આરોપમાં ધરપકડ થઈ છે. તેની સામે ભગવાનપુર પોલીસ સ્ટેશન, કોતવાલી ગંગનાહર રૂરકી અને કોતવાલી સિવિલ લાઇન રૂરકી જિલ્લામાં કેસ નોંધાયેલા છે. દવાની ફેક્ટરી દોઢ મહિના પહેલાથી ચાલી રહી હતી. આરોપીઓ કપાસમાં દવાઓ ભરીને નાના વાહનોમાંથી સપ્લાય કરતા હતા. પોલીસને શંકા હતી કે ચૂંટણી દરમિયાન ગેરકાયદેસર દારૂ સપ્લાય કરવામાં આવતો હતો. પરંતુ, દરોડામાં નકલી દવાઓ ઝડપાઈ હતી. પોલીસ ટીમ હજુ આરોપીની પૂછપરછ કરી રહી છે.