ઉત્તરાખંડ ચૂંટણીઃ કોંગ્રેસે ઘોષણાપત્રમાં મહિલાઓને વધારે પ્રાધાન્ય અપાયું
નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં હાલ વિવિધ રાજકીય પક્ષો દ્વારા જોરશોરથી પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે. દરમિયાન ઉત્તરાખંડ વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે આજે ઘોષણાપત્ર જાહેર કર્યું હતું. આ ઘોષણાપત્રમાં મહિલાઓને વધારે પ્રાધાન્ય આપવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત પર્યટનના વિકાસના પણ દાવા કરવામાં આવ્યાં છે.
ઉત્તરાખંડ વિધાનસભાની ચૂંટણીને પગલે કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રયંકા ગાંધી આજે દહેરાદુનમાં વર્ચુઅલ રેલી યોજીને જનસભાને સંબોધી હતી. આ દરમિયાન તેમણે પાર્ટીનું ઘોષણાપત્ર જાહેર કર્યું હતું. જે આધારે ઉત્તરાખંડમાં કોંગ્રેસની સરકાર આવશે તો લોકોને રાંધણ ગેસનો બાટલો રૂ. 500માં આપવાની જાહારેત કરી હતી. જ્યારે બાકીની રકમ સબસીડી તરીકે સરકાર ભોગવશે. લાખો લોકોને રોજગારી પુરી પાડવામાં આવશે. પ્રવાસન ક્ષેત્રને પ્રોત્સાહન આપવામાં આવશે, જિલ્લાઓમાં પર્યટન પોલીસનો એક અલગ ફોર્સ ઉભો કરાશે. સરકારી નોકરીમાં 40 ટકા મહિલાનો પ્રાથમિકતા આપવામાં આવશે. પોલીસ વિભાગમાં પણ 40 ટકા મહિલાઓને પ્રાથમિકતા અપાશે. આંગણવાડી અને આશા કાર્યકર્તાઓને અપાતી રકમમાં વધારો કરવામાં આવશે. કોરોના કાળમાં પીડિત પરિવારોને રૂ. 40 હજારની મદદ કરવામાં આવશે. આરોગ્ય સુવિધાઓ ઘરે-ઘરે પહોંચાડવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઉત્તરપ્રદેશ, પંજાબ, ગોવા, ઉત્તરાખંડ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેને લઈને ભાજપ, કોંગ્રેસ, આપ, સપા અને બસપા સહિતના રાજકીય પક્ષો દ્વારા હાલ જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. તેમજ રાજકીય પાર્ટીઓ દ્વારા એકબીજા ઉપર આક્ષેપ કરવામાં આવી રહ્યાં છે.