ઉત્તરાખંડ: નાનકમત્તા ગુરુદ્વારાના ડેરા પ્રમુખ તરસેમસિંહની હત્યા, બાઈકસવારોએ તાબડતોબ કર્યું ફાયરિંગ
નવી દિલ્હી: ઉત્તરાખંડના ઉધમસિંહ નગરના નાનકમત્તા ગુરુદ્વારાના ડેરા કારસેવા પ્રમુખ બાબા તરસેમસિંહની ગુરુવારે સવારે અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી છે. તરસેમસિંહ પંજાબ અને તરાઈના શીખોમાં સિરમોર માનવામાં આવતા હતા. આ હત્યાથી પંજાબમાં ગમગીનીનો માહોલ છે.
ગુરુદ્વાર નાનકમત્તા સાહિબની પાસે જ ડેરા કારસેવા પરિસરની અંદર જ તેમની હત્યા કરવામાં આવી. તેમને સવારે 6 વાગ્યે બાઈકસવાર હુમલાખોરએ ત્રણ ગોળી મારી હતી. તેમને હોસ્પિટલ લઈ જતી વખતે માર્ગામાં જ દમ તોડયો હતો. કહેવામાં આવે છે કે બંને હુમલાખોરો બાઈક પર આવ્યા હતા અને તાબડતોબ ફાયરિંગ કરીને ફરાર થઈ ગયા હતા. પોલીસને મામલામાં હજી સુધી કોઈ કડી મળી નથી. પોલીસે હત્યામાં ગેરકાયદેસર હથિયારના ઉપયોગની આશંકા વ્યક્ત કરી છે.
આ ઘટનાના સાક્ષીએ કહ્યુ છે કે ગુરુવારે સવારે જેવા બાબા તરસેમસિંહ ગુરુદ્વારા પરિસરની બહાર આવ્યા. બે અજાણ્યા હુમલાખોરોએ તેમના પર તાબડતોબ ફાયરિંગ કરવાનું શરૂ કર્યં. તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. પરંતુ માર્ગમાં જ તેમણે દમ તોડયો હતો.
તેમની હત્યા પછી જ હોસ્પિટલની બહાર મોટી ભીડ જામી છે. તેમણે એક માસ પહેલા પોતાની હત્યાની આશંકા વ્યક્ત કરતી ફેસબુક પોસ્ટ કરી હતી. કહેવામાં આવે છે કે તેમનો ગુરુદ્વારા પ્રબંધક કમિટી સાથે વિવાદ ચાલી રહ્યો હતો. આ ઘટનાથી શીખોમાં ભારે રોષ છે.
ઉત્તરાખંડના પોલીસ મહાનિદેશક અભિનવ કુમારે કહ્યુ છે કે અમને આજે સવારે માહિતી મળી હતી કે સવારે સવા છથી સાડા છની વચ્ચે બે હુમલાખોરોએ નાનકમત્તા ગુરુદ્વારામાં ઘૂસીને કારસેવા પ્રમુખ બાબા તરસેમસિંહને ગોળી મારી. તેમને ખટીમાની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, પરંતુ પછી ખબર પડી કે તેમણે તો દમ તોડયો છે. આ ઘણો જ ગંભીર મામલો છે. વરિષ્ઠ અધિકારી ઘટનાસ્થળે પહોંચ્યા છે. એસએસપી પહેલેથી જ ત્યાં છે. ડીઆઈજી પણ ત્યાં પહોંચ્યા છે. તેઓ ઘટનાસ્થળની તપાસ અને સ્થાનિક લોકો સાથે વાત કરી રહ્યા છે.
તેમણે કહ્યુ છે કે આ ઘટનાની તપાસ માટે એસઆઈટી ગઠિત કરવામાં આવી છે. તેમાં એસટીએફ અને સ્થાનિક પોલીસ અધિકારી હશે. એસટીએફે કહ્યુ છે કે આ મામલાની તેઓ પ્રાથમિકતા સાથે તમામ દ્રષ્ટિકોણથી તપાસ કરે. અમે હુમલાખોરોની ઓળખ કરી છે અને અપરાધમાં મોટા ષડયંત્રની પણ જાણકારી મેળવી છે. અમે જલ્દીથી જલ્દી આ મામલાને ઉકેલવા માટે કડક કાર્યવાહી કરીશું.
મહત્વપૂર્ણ છે કે તરાઈ વિસ્તારમાં અપરાધ ઝડપથી વધી ગયા છે. કેટલાક મહીનાઓ પહેલા જ ભારમાલ બાબા સહીત ત્રણ લોકોની તેમના જ આશ્રમમાં હત્યા કરી દેવામાં આવી હતી. તો બે માસ પહેલા એક જ્વેલરની ખુલ્લેઆમ દુકાનમાં હત્યા કરી દેવામાં આવી હતી.