ઉત્તરાખંડઃ કાંવડ યાત્રાની તડામાર તૈયારીઓ, લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ આ યાત્રામાં જોડાય તેવી શકયતા
નવી દિલ્હીઃ ઉત્તરાખંડના હરિદ્વારમાં આવતા શ્રાવણ મહિનામાં પવિત્ર કાંવડ યાત્રા યોજાશે. બે વર્ષથી આ યાત્રા બંધ રહી હોવાથી ચાલુ વર્ષે લાખો લોકો આ યાત્રામાં જોડાય તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. બીજી તરફ કોઈ કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ચુસ્ત પોલીસ બંદબોસ્ત ગોઠવવામાં આવ્યો છે.
પવિત્ર મહિનાથી કાંવડ યાત્રા શરૂ થઈ રહી છે, જેને ધ્યાનમાં રાખીને ઉત્તરાખંડ પોલીસે કાંવડ યાત્રાની વ્યવસ્થા પૂર્ણ કરવા માટે ઈન્ટર સ્ટેટ કોઓર્ડિનેશનની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, દિલ્હી, હરિયાણા અને દિલ્હીના પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા. બેઠકમાં મુખ્યત્વે કાંવડ યાત્રાને વધુ સારી રીતે ચલાવવા માટે ચર્ચા કરવામાં આવી હતી.
ઉત્તરાખંડના ડીજીપી અશોક કુમારે જણાવ્યું કે, દર વર્ષે શ્રાવણ મહિનામાં લાખો કાંવડિયા ઉત્તરાખંડના હરિદ્વાર પહોંચે છે. જો કે, છેલ્લા બે વર્ષથી આ યાત્રા બંધ હતી, તેથી આ વર્ષે લગભગ 40 મિલિયન કાંવડિયાઓ મુલાકાતે આવે તેવી શક્યતા છે. જેને ધ્યાનમાં રાખીને કાંવડ યાત્રાની વ્યવસ્થા પૂર્ણ કરવા માટે બેઠકો યોજવામાં આવી છે અને ચર્ચા કરવામાં આવી છે.
ડીજીપી અશોક કુમારે કહ્યું કે પોલીસ પ્રશાસન કાંવડિયાઓને અપીલ કરે છે કે જે લોકો કાંવડ યાત્રા પર આવી રહ્યા છે તેઓ શાંતિથી આવે અને કોઈ પણ પ્રકારની હોબાળો કર્યા વિના હરિદ્વારથી પાણી ભરીને પોતાના ગંતવ્ય સ્થાને જવા રવાના થાય. આ કાંવડ યાત્રામાં લગભગ 10 હજાર પોલીસકર્મી અને હોમગાર્ડ તૈનાત રહેશે. જેથી કાવડ યાત્રા સફળતાપૂર્વક અને શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ શકે.