ઉત્તરાખંડ: 10 મેથી શરૂ થનારી શ્રી હેમકુંડ સાહિબ યાત્રા સ્થગિત,કોરોના વધતા લેવાયો નિર્ણય
- શ્રી હેમકુંડ સાહિબ યાત્રા સ્થગિત
- કોરોના વધતા લેવાયો નિર્ણય
- 10 મે થી શરૂ થવાની હતી યાત્રા
ઉત્તરાખંડ : કોરોના વાયરસના વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને હેમકુંડ સાહિબની યાત્રા મોકૂફ રાખવામાં આવી છે. ઉત્તરાખંડના ચમોલી સ્થિત હેમકુંડ સાહિબ ગુરુદ્વારા માટે 10 મે થી યાત્રા શરૂ થવાની હતી. કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને ગુરુદ્વારા શ્રી હેમકુંડ સાહિબ મેનેજમેન્ટે યાત્રાને મુલતવી રાખી છે.હજુ સુધી યાત્રાની નવી તારીખને લઈને જાણકારી આપી નથી.
શ્રી હેમકુંડ સાહિબ મેનેજમેન્ટ ટ્રસ્ટના વાઇસ પ્રેસિડેન્ટ નરેન્દ્ર જીત સિંહ બિન્દ્રાએ કહ્યું હતું કે,હાલની પરિસ્થિતિમાં જે રીતે કોરોના વાયરસનું સંકટ છે તે જોતાં, હેમકુંડ યાત્રા શરૂ કરવી યોગ્ય રહેશે નહીં.એવામાં લોકોનું એકસાથે એકઠા થવું સંક્રમણ ફેલાવાનું કારણ બની શકે છે. આથી યાત્રાને મુલતવી રાખવામાં આવી છે. કોરોના સંક્રમણ ઓછો થયા બાદ યાત્રા માટેની નવી તારીખ જાહેર કરવામાં આવશે.
સીખોના પ્રસિદ્ધ તીર્થ શ્રી હેમકુંડ સાહિબના કપાટ 10 મે ના રોજ ખોલવાના હતા. હેમકુંડ યાત્રા માટેની મેનેજમેન્ટ ટ્રસ્ટ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી હતી,પરંતુ હવે યાત્રા મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં હેમકુંડ સાહિબ ગુરુદ્વારા 15 હજાર 200 ફૂટની ઉંચાઈ પર સ્થિત છે.