અમદાવાદઃ ગુજરાતમાં આજે પતંગોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. ગુજરાતનું આકાશ રંગબેરંગી પતંગોથી છવાયું છે. દરમિયાન તહેવારોમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. તેમજ ઈમરજન્સી સેવાઓને ધ્યાનમાં રાખીને 108ની ટીમો પણ ખડેપગે રાખવામાં આવી છે.
અમદાવાદ પોલીસ દ્વારા ઉત્તરાયણના તહેવારને ધ્યાનમાં રાખીને 14 અને 15 જાન્યુઆરીએ શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ બંદોબસ્ત અંતર્ગત શહેરમાં SRPની 4 કંપની, RAFની 1 કંપની તૈનાત રહેશે.આ ઉપરાંત 6,000 પોલીસ કર્મચારીઓ અને 4,000 હોમગાર્ડના જવાનો ખડેપગે રહેશે. આ ઉપરાંત પોલીસ ચાઇનીસ દોરી અંગે સતર્ક છે અત્યાર સુધી પોલીસને ચાઈનીઝ દોરી અંગે 16 રજૂઆત મળી હતી. આ મામલે 383 F.I.R. નોંધવામાં આવી જ્યારે 316 લોકોની અટકાયત કરવામાં આવી હતી. ચાઈનીઝ દોરી અંગે લોકોને જાગૃત કરવા પોલીસે 175 જેટલી જાગૃતિ સભા પણ યોજી હતી.