Site icon Revoi.in

ભાવનગર મ્યુનિ.કોર્પોરેશનમાં કમિશનરથી લઈને તમામ ઉચ્ચ અધિકારીઓની જગ્યાઓ ખાલી

Social Share

ભાવનગરઃ શહેરની મ્યુનિ.કોર્પોરેશનમાં કમિશનરથી લઈને ડેપ્યુટી કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓની જગ્યાઓ ખાલી છે. જેના લીધે મ્યુનિના વહિવટી તંત્ર પર અસર પડી રહી છે. મહિનાઓથી મ્યુનિ. કમિશનરનો ચાર્જ જિલ્લા કલેકટરને સોંપવામાં આવ્યો છે. ભાવનગરનું પ્રતિનિધિત્વ કરનારા રાજકીય નેતાઓને  જાણે શહેરની કોઇ પરવા જ ન હોય તેમ લાંબા સમયથી મ્યુનિ.કોર્પોરેશનમાં કમિશનરની જગ્યા ખાલી હોવા છતા રજુઆતો પણ કરાતી નથી. સાથોસાથ નાયબ કમિશનર એડમીનની પણ બદલી થતા અને તેમના સ્થાને કોઈ અધિકારીની નિયુક્તિ નહી થતા મ્યુનિ. કોર્પોરેશન ધણીધોરી વગરનું થઈ ગયું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ભાવનગર મ્યુનિ.કોર્પોરેશનના કમિશનરની બદલી થતા તેમના સ્થાને કોઈ અધિકારીની નિમણૂક કરવામાં આવી નથી જેથી છેલ્લા છ મહિનાથી કલેકટર દ્વારા ઇન્ચાર્જ કમિશનરથી ગાડું દોડાવવામાં આવે છે. એવામાં સિટી એન્જિનિયરની પણ છેલ્લા દોઢેક મહિનાથી જગ્યા ખાલી છે. નાયબ કમિશનર જનરલની પણ જગ્યા ખાલી છે. સિટી એન્જિનિયર અને નાયબ કમિશનર જનરલની જવાબદારી નાયબ કમિશનર એડમીનને સોંપવામાં આવી હતી. પરંતુ ગત 10મી ઓગસ્ટે નાયબ કમિશનર એડમીનની પણ બદલી થઈ ગઈ છે. કમિશનરની જેમ નાયબ કમિશનર એડમીનની જગ્યાએ પણ કોઈ અધિકારીને નિયુક્ત કરવામાં આવ્યા નથી. અને બુધવારે નાયબ કમિશનર એડમીનને પણ ભાવનગરની જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. પરંતુ સાથોસાથ ઇન્ચાર્જ કમિશનર પણ તારીખ 17 થી બે દિવસની રજા પર ગયા છે. જેથી ભાવનગર મ્યુનિ. કોર્પોરેશનમાં એક પણ જવાબદારી અધિકારી રહેશે નહીં. આવી પરિસ્થિતિમાં ભાવનગર ખરેખર ભગવાન ભરોસે જ રહી ગયું છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, ભાવનગર શહેરના બન્ને ધારાસભ્યો ભાજપના છે. જેમાં ભાવનગરથી ચૂંટાયેલા જીતુ વાઘાણી સરકારમાં શિક્ષણ મંત્રી અને સરકારના પ્રવક્તાની જવાબદારી સંભાળી રહ્યા છે. ભાવનગર મ્યુનિ.માં પણ ભાજપનું શાસન છે. છતાં સબળ રજુઆતના અભાવે ભાવનગર મ્યુનિ.કોર્પોરેશનમાં અધિકારીઓ નિમાતા નથી.