કેનાડાની રાજનીતિમાં ખાલીસ્તાન સામેલઃ ડો. એસ.જયશંકર
નવી દિલ્હીઃ એક કાર્યક્રમમાં વિદેશ મંત્રી ડો.એસ જ્યશંકરે કેનેડા સાથેના સંબંધો મુદ્દે જણાવ્યું હતું કે, કેનેડાની રાજનીતિએ ખાલિસ્તાની તાકાતોને આશ્રય આપ્યો છે, એટલે કે ખાલિસ્તાન સીધી રીતે કેનેડાની રાજનીતિમાં સામેલ છે. આ જ કારણે બંને દેશો વચ્ચેના સંબંધ તંગ બન્યાં છે. આ પરિસ્થિતિ ભારત અને કેનેડા માટે ખતરા સમાન છે. આનાથી જેટલો ભારતને ખતરો છે એટલો જ કેનેડાને પણ ખતરો છે.
પાકિસ્તાનની આતંકી પ્રવૃતિઓને લઈને તેમણે કહ્યું હતું કે, પાકિસ્તાન સીમા પાર આતંકવાદનો ઉપયોગ ભારતને વાતચીત માટે ટેબલ ઉપર લાવવા માટે કરી રહ્યું છે. આ તેમની નીતિ રહી છે, હવે ભારતે તેમની નીતિને અપ્રાસંગિક કરી નાખી છે. અમે જાણીએ છીએ કે, અંતમાં એક પડોશી જ પડોશીના કામ આવે છે, પરંતુ અમે તે શરતો ઉપર વાત નહીં કરીએ જે શરતો તેમના દ્વારા નિર્ધારિત કરાઈ છે.
ભારત વિશ્વમિત્ર તરીકે ઉભરી આપવા મામલે તેમણે કહ્યું હતું કે, વિશ્વના અનેક નેતાઓ ભારત આવવા માંગે છે. જ્યારે અમે વિશ્વમિત્ર કરીએ ત્યારે તેનું ઉદાહરણ જી20 છે. જી20ના 12 કલાક પહેલા પણ સંમેલનમાં ઘોષણાપત્રને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું ન હતું. સાર્વજનિક રીતે અનેક લોકો ભવિષ્યવાણી કરતા હતા કે, આપણે નિષ્ફળ રહીશું, જેનો કેટલોક હિસ્સો રાજનીતિથી પ્રેરિત હતો. પહેલા ઉત્તર-દક્ષિણમાં વિભાજન હતું, જ્યારે પૂર્વ-પશ્ચિમમાં પણ ધ્રુવીકરણ હતું. બે ભાગમાં વહેંચાયેલી દુનિયાને અમે એક મંચ ઉપર લાવવા મજબુર કરી હતી. મહત્વની વાત એ છે કે, તમામ ભારત આવ્યા, કેમ કે તેમની સાથે આપણા સંબંધ સારા છે. ભારતનું નામ આવતા જ તમામે કરાર કરી લીધા હતા.
વિવિધ દેશના નેતાઓ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેમિસ્ટ્રી અને વિશ્વસનીયતાને લઈને ડો.એસ જયશંકરે કહ્યું કે, જ્યારે આપણે જોઈએ છીએ ભારત આગળ વધી રહ્યું છે, આપણી રુચી પણ વધી જાય છે. આપણે હજુ વધારે આકર્ષિક થવાની છે. એવુ આકર્ષણ હોય કે આપણે તમામ સાથે કનેક્ટ થઈ શકીએ. દુનિયાના તમામ નેતાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિશ્વ નેતા તરીકે જોવો છે.